વન અને માનસરોવર જેવું સરોવર કેવી રીતે જોવા મળત? ત્યારે રાજાએ કહ્યું-હે રાણી!
હવે વનયાત્રા સફળ થઈ, કારણ કે તારા દર્શન થયા. આ પ્રમાણે દંપતી પરસ્પર પ્રીતિની
વાતો કરી સખીઓ સહિત સરોવરના તીરે બેસી નાના પ્રકારની જળક્રીડા કરી બન્ને
ભોજનની તૈયારી કરવા લાગ્યાં. તે સમયે શ્રી રામ મુનિરાજ વનચર્યા કરનાર આ તરફ
આહાર માટે પધાર્યા. તેમને જોઈ સાધુની ક્રિયામાં પ્રવીણ રાજાને હર્ષથી રોમાંચ થયો.
રાણી સહિત સન્મુખ જઈ નમસ્કાર કરી એવા શબ્દો કહ્યા-હે ભગવાન! અહીં પધારો,
અન્નજળ પવિત્ર છે. પ્રાસુક જળથી રાજાએ મુનિના પગ ધોયા, નવધા ભક્તિથી સપ્તગુણ
સહિત મુનિને પવિત્ર ખીરનો આહાર આપ્યો. સુવર્ણના પાત્રમાં લઈ મહાપાત્ર મુનિના
કરપાત્રમાં પવિત્ર અન્ન ભોજન આપ્યું. નિરંતરાય આહાર થયો તેથી દેવોએ આનંદિત
થઈ પંચાશ્ચર્ય પ્રગટ કર્યા અને પોતે અક્ષીણ મહાઋદ્ધિના ધારક હોવાથી તે દિવસે રસોઈનું
અન્ન અખૂટ થઈ ગયું. પંચાશ્ચર્યના નામઃ-પંચવર્ણનાં રત્નોની વર્ષા તથા સુગંધી
કલ્પવૃક્ષોની પુષ્પની વર્ષા, શીતળ મંદ સુગંધ પવન, દુંદુભિનાદ, જયજય શબ્દ, ધન્ય આ
દાન, ધન્ય આ પાત્ર, ધન્ય આ વિધિ, ધન્ય આ દાતા. બહુ સારું થયું, સારું થયું, આનંદ
પામો, વૃદ્ધિ પામો, ફૂળોફળો-આ પ્રકારના શબ્દો આકાશમાં દેવો બોલવા લાગ્યા. હવે
નવધા ભક્તિનાં નામ-મુનિને પડગાહન, ઊંચા સ્થાને બિરાજમાન કરવા, ચરણારવિંદનું
પ્રક્ષાલન ચરણોદક માથે ચડાવવું, પૂજા કરવી, મન શુદ્ધ, વચન શુદ્ધ, કાય શુદ્ધ, આહાર
શુદ્ધ, શ્રદ્ધા, શક્તિ, નિર્લોભતા, દયા, ક્ષમા, ઈર્ષ્યાનો અભાવ, હર્ષસહિત-આ દાતાનાં સાત
ગુણ છે. રાજા પ્રતિનંદ મુનિદાનથી દેવો વડે પૂજાયો અને તેણે શ્રાવકનાં વ્રત લીધાં. જેનું
સમ્યકત્વ નિર્મળ છે એવો તે પૃથ્વી પર પ્રસિદ્ધિ પામ્યો, તેનો ખૂબ મહિમા થયો.
પંચાશ્ચર્યમાં જુદા જુદા પ્રકારનાં રત્નો અને સુવર્ણની વર્ષા થઈ, દશે દિશામાં ઉદ્યોત થયો,
પૃથ્વીનું દારિધ્ર ગયું, રાજા રાણી સહિત વિનયભક્તિથી નમ્રીભૂત મહામુનિને વિધિપૂર્વક
નિરંતરાય આહાર આપી પ્રબોધ પામ્યો. પોતાનો મનુષ્યજન્મ સફળ માનવા લાગ્યો. રામ
મહામુનિ તપને અર્થે એકાંતમાં રહ્યા. બાર પ્રકારનાં તપ કરનારા તપઋદ્ધિથી અદ્વિતીય,
પૃથ્વી પર અદ્વિતીય સૂર્ય વિહરતા હતા.
આહારદર્શનનું વર્ણન કરનાર એકસો એકવીસમું પર્વ પૂર્ણ થયું