પીતાંબર પહેરી ક્રીડા કરી રહ્યો છે, મૌલશ્રીની વર્ષા થઈ રહી છે. આવી વસંતની લીલાથી
તે પ્રતીન્દ્ર પોતે જાનકીનું રૂપ ધારણ કરી રામની સમીપે આવ્યો. તે મનોહર વનમાં બીજું
કોઈ મનુષ્ય નથી. ઋતુઋતુનાં જાતજાતનાં વૃક્ષો ખીલ્યાં છે, તે સમયે રામની સમીપે સીતા
સુંદરી કહેવા લાગી-હે નાથ! પૃથ્વી પર ભ્રમણ કરતાં કોઈ પુણ્યના યોગથી તમને જોયા,
વિયોગરૂપ તરંગોથી ઊછળતા સ્નેહરૂપ સમુદ્રમાં હું ડૂબું છું તો મને બચાવો, રોકો, આમ
અનેક પ્રકારે રાગનાં વચન કહ્યાં, પરંતુ મુનિ અકંપ છે. તે સીતાનો જીવ મોહના ઉદયથી
કોઈ વાર જમણી તરફ, કોઈ વાર ડાબી તરફ ફર્યા કરે છે. કામરૂપ જ્વરના યોગથી તેનું
શરીર અને તેના અતિસુંદર અધર કંપે છે. તે આ પ્રમાણે કહેવા લાગી-હે દેવ! મેં વિચાર
કર્યા વિના તમારી આજ્ઞા વિના દીક્ષા લીધી. મને વિદ્યાધરોએ ઉશ્કેરી, હવે મારું મન
તમારામાં છે. આ દીક્ષા અત્યંત વૃદ્ધોને માટે યોગ્ય છે. ક્યાં આ યૌવન અવસ્થા અને
ક્યાં આ દુર્ધર વ્રત? અત્યંત કોમળ ફૂલ દાવાનળની જ્વાળા કેવી રીતે સહન કરી શકે?
અને હજારો વિદ્યાધરોની કન્યા તમને વરવા ચાહે છે તે મને આગળ કરીને લાવી છે. તે
કહે છે કે તમારા આશ્રયે અમે બળદેવને વરીએ. તે વખતે હજારો દિવ્ય કન્યાઓ
જાતજાતનાં આભૂષણો પહેરી રાજહંસિની જેવી ચાલવાળી પ્રતીન્દ્રની વિક્રિયાથી મુનીન્દ્રની
સમીપે આવી, તે કોયલ કરતાં પણ અધિક મધુર બોલતી હતી. જાણે સાક્ષાત્ લક્ષ્મી જ
હોય એવી શોભતી હતી. તે મનને આહ્લાદ ઉપજાવે અને કાનને અમૃત સમાન લાગે
એવાં દિવ્ય ગીત ગાવા લાગી, વીણા, બંસરી, મૃદંગ બજાવવા લાગી. ભ્રમર સરખા શ્યામ
કેશ, વીજળીના ચમકારા જેવી સુકુમાર પાતળી કેડ, અતિ કઠોર ઉન્નત સ્તનવાળી સુંદર
શૃંગાર કરે, નાના, વર્ણકે વસ્ત્ર પહેરે, હાવભાવ, વિલાસ વિભ્રમ ધરતી, મુખ મલકાવતી
પોતાની કાંતિથી આકાશને વ્યાપ્ત કરતી, મુનિની ચારે બાજુ બેસીને પ્રાર્થના કરવા
લાગી-હે દેવ! અમારું રક્ષણ કરો. વળી કોઈ એકાદ પૂછતી કે હે દેવ! આ કઈ વનસ્પતિ
છે? તો બીજી કોઈ માધવી લતાના પુષ્પને પકડવાને બહાને હાથ ઊંચો કરીને પોતાનું
અંગ દેખાડવા લાગી, કોઈ ભેગી થઈને તાળી દેતી રાસમંડળ રચવા લાગી, પલ્લવ
સમાન કરવાળી કેટલીક પરસ્પર જળકેલિ કરવા લાગી. આ રીતે જાતજાતની ક્રીડા કરીને
મુનિનું મન ડગાવવાનો પ્રયત્ન કરવા લાગી. હે શ્રેણિક! જેમ પવનથી સુમેરુ ન ડગે તેમ
શ્રી રામચંદ્ર મુનિનું મન ડગ્યું નહિ. આત્મસ્વરૂપના અનુભવી રામદેવ જેમની દ્રષ્ટિ સરળ
છે, જેમનો આત્મા શુદ્ધ છે તે પરીષહરૂપ વજ્રપાતથી ન ડગ્યા, ક્ષપક શ્રેણી ચડી
શુક્લધ્યાનના પ્રથમ પાયામાં પ્રવેશ કર્યો. રામચંદ્રનો ભાવ આત્મામાં જોડાઈને અત્યંત
નિર્મળ થયો તેથી તેમનું જોર ચાલ્યું નહિ. મૂઢજન અનેક ઉપાય કરે, પણ જ્ઞાની પુરુષોનું
ચિત્ત ચળે નહિ. તે આત્મસ્વરૂપમાં એવા દ્રઢ થયા કે કોઈ પ્રકારે ડગ્યા નહિ. પ્રતીન્દ્રદેવે
માયાથી રામનું ધ્યાન ડગાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ જ ઉપાય ચાલ્યો
નહિ. તે ભગવાન પુરુષોત્તમ અનાદિકાળનાં કર્મોની વર્ગણા બાળવા તૈયાર થયા. પહેલા
પાયાના પ્રસાદથી મોહનો