Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 52 of 660
PDF/HTML Page 73 of 681

 

background image
પ૨ પાંચમું પર્વ પદ્મપુરાણ
એકસો આઠ પુત્ર થયા. તે પૃથ્વીના સ્તંભ સમાન હતા. તેમાંથી મોટા પુત્રને રાજ્ય આપી
રાજા ભીમપ્રભ વૈરાગ્ય પામી પરમપદને પામ્યો. પૂર્વે રાક્ષસના ઇન્દ્ર ભીમ અને સુભીમે
કૃપા કરીને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો હતો તે મેઘવાહનના વંશમાં મોટામોટા રાજાઓ
રાક્ષસદ્વીપના રક્ષક થયા. ભીમપ્રભાનો મોટો પુત્ર પૂજાર્હ પોતાના પુત્ર જિતભાસ્કરને
રાજ્ય આપી મુનિ થયો અને જિતભાસ્કર સંપરિકીર્તિ નામના પુત્રને રાજ્ય આપી મુનિ
થયા અને સંપરિકીર્તિ સુગ્રીવ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયો. સુગ્રીવ હરિગ્રીવને
રાજ્ય આપી ઉગ્ર તપ કરીને દેવલોકમાં ગયા અને હરિગ્રીવ શ્રીગ્રીવને રાજ્ય આપી
વૈરાગ્ય પામ્યા. શ્રીગ્રીવ સુમુખ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયા, પોતે વડીલોનો
માર્ગ અંગીકાર કર્યો અને સુમુખ પણ સુવ્યક્તને રાજ્ય આપી પોતે પરમઋષિ થયા.
સુવ્યક્ત અમૃતવેગને રાજ્ય આપી વૈરાગી થયા અને અમૃતવેગ ભાનુગતિને રાજ્ય આપી
યતિ થયા. તે ચિંતાગતિને રાજ્ય આપી નિશ્ચિંત થયા, મુનિવ્રત આદરવા લાગ્યા.
ચિન્તાગતિ ઇન્દ્રને રાજ્ય આપી મુનિ થયા. આ પ્રમાણે રાક્ષસવંશમાં અનેક રાજા થયા.
રાજા ઇન્દ્રને ઇન્દ્રપ્રભ, તેને મેઘ, તેને મૃગારિદમન, તેને પવિ, તેને ઇન્દ્રજિત, તેને
ભાનુવર્મા, તેને સૂર્ય સમાન તેજસ્વી ભાનુ, તેને મુરારિ, તેને ત્રિજિત્, તેને ભીમ, તેને
મોહન, તેને ઉદ્ધારક, તેને રવિ, તેને ચાકર, તેને વજ્રમધ્ય, તેને પ્રબોધ તેને સિંહવિક્રમ,
તેને ચામુંડ, તેને મારણ, તેને ભીષ્મ તેને દ્યુપબાહુ, તેને અરિદમન, તેને નિર્વાણભક્તિ,
તેને ઉગ્રશ્રી, તેને અર્હદ્ભક્ત, તેને અનુત્તર, તેને ગતભ્રમ, તેને અનિલ, તેને લંક, તેને
ચંડ, તેને મયુરવાન, તેને મહાબાહુ તેને મનોરમ્ય, તેને ભાસ્કરપ્રભ, તેને બૃહદ્ગતિ, તેને
અરિસંત્રાસ, તેને ચંદ્રાવર્ત, તેને મહારવ તેને મેઘધ્વાન, તેને ગ્રહશોભ, તેને નક્ષત્રદમન,
આ પ્રમાણે કરોડ રાજા થયા. મહાન વિદ્યાધર, મહાબલવાન, મહાકાંતિધારી પરાક્રમી,
પરદારાના ત્યાગી, નિજ સ્ત્રીમાં સંતોષી એવા લંકાના સ્વામી મહાસુન્દર,
અસ્ત્રશસ્ત્રકળાના ધારક, સ્વર્ગલોકથી આવીને અનેક રાજા થયા. તે પોતાના પુત્રોને
રાજ્ય આપી, જગતથી ઉદાસ થઈ, જિનદીક્ષા લઈને કેટલાક તો કર્મનો નાશ કરીને
નિર્વાણ ગયા અને કેટલાક રાજા પુણ્યના પ્રભાવથી પ્રથમ સ્વર્ગથી માંડીને સર્વાર્થસિદ્ધિ
પર્યંત પ્રાપ્ત થયા. આ પ્રમાણે અનેક રાજા ચાલ્યા ગયા. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર પ્રસિદ્ધ છે તેમ
લંકાના અધિપતિ ધનપ્રભ અને તેની રાણી પદ્માનો પુત્ર કીર્તિધવલ પ્રસિદ્ધ થયો. જેમ
સ્વર્ગમાં ઇન્દ્ર રાજ્ય કરે છે તેમ લંકામાં કીર્તિધવલ રાજ કરવા લાગ્યો. અનેક વિધાધરો
તેના આજ્ઞાકારી હતા. આ પ્રમાણે પૂર્વભવમાં કરેલા તપના બળથી આ જીવ દેવગતિનાં
તથા મનુષ્યગતિનાં સુખ ભોગવે છે અને સર્વ ત્યાગ કરી, મહાવ્રત ધારી, આઠ કર્મ ભસ્મ
કરી સિદ્ધ થાય છે અને જે પાપી જીવ ખરાબ કાર્યોમાં આસક્ત થાય છે તે આ જ ભવમાં
લોકનિંદ્ય થઈ મરીને કુયોનિમાં જાય છે અને અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. આમ
જાણીને પાપરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન શુદ્ધોપયોગને ભજો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજી કૃત
ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં રાક્ષસોનું કથન જેમાં છે તે પાંચમો અધિકાર સંપૂર્ણ થયો.