સોનાના રથો ઉપર બેઠા, કેટલાક કાળી ઘટા જેવા હાથીઓ ઉપર ચડયા. કેટલાક મન
સમાન શીઘ્રગામી ઘોડા ઉપર બેઠા, કેટલાક સિંહ-શાર્દૂલ ઉપર ચડયા, કેટલાક ચિત્તા ઉપર
ચડયા, કેટલાક બળદ ઉપર ચડયા, કેટલાક ઊંટો ઉપર, કેટલાક ખચ્ચર ઉપર, કેટલાક
પાડા ઉપર, કેટલાક હંસ ઉપર, કેટલાક શિયાળ ઉપર એમ અનેક માયામયી વાહનો ઉપર
ચડયા. આકાશનું આંગણું ઢાંકી દેતા, મહાદેદીપ્યમાન શરીરવાળા માલીની સાથે ચડયાં.
પ્રથમ પ્રયાણમાં જ અપશુકન થયા ત્યારે માલીનો નાનો ભાઈ સુમાલી કહેવા લાગ્યો. હે
દેવ! અહીં જ મુકામ કરો, આગળ ન જાવ અથવા લંકા પાછા ચાલો, આજ ઘણા
અપશુકન થયાં છે. સૂકા વૃક્ષની ડાળી ઉપર એક પગ સંકોચીને કાગડો બેઠો છે, ચિત્તમાં
અત્યંત આકુળતા થવાથી તે વારંવાર પાંખ હલાવે છે, સૂકા કરગઠિયા ચાંચમાં લઈને સૂર્ય
તરફ જુએ છે અને કઠોર શબ્દ બોલે છે. તે આપણને જવાની મના કરે છે. જમણી તરફ
રૌદ્ર મુખવાળી શિયાળણી રોમાંચ કરતી ભયંકર અવાજ કરે છે, સૂર્યના બિંબની વચમાં
પ્રવેશેલી જળવાદળીમાંથી રુધિર ઝરતું દેખાય છે અને મસ્તકરહિત ધડ નજર પડે છે, મહા
ભયંકર વજ્રપાત થાય છે, જેનાથી સર્વ પર્વતો ધ્રુજી ઊઠયા છે અને આકાશમાં જેના વાળ
વિખરાઈ ગયા છે એવી માયામયી સ્ત્રી નજરે પડે છે, ગધેડા આકાશ તરફ ઊંચું મુખ
કરીને ખરીના આગલા ભાગથી ધરતીને ખોદતા થકા કઠોર અવાજ કરે છે. ઇત્યાદિ
અપશુકન થાય છે. ત્યારે રાજા માલીએ સુમાલીને હસીને કહ્યુંઃ અહો વીર! વેરીને
જીતવાનો વિચાર કરીને ઉપર ચડેલા મહાપુરુષ ધીરજ ધરતા પાછા કેવી રીતે વળે? જે
શૂરવીરે દાંતથી અધર કરડયા છે, ભ્રમર વાંકી કરી છે, મુખ વિકરાળ બનાવ્યું છે, આંખથી
જે વેરીને ડરાવે છે, તીક્ષ્ણ બાણથી સહિત છે, જે મદ ઝરતા હાથી પર ચઢયા છે અથવા
અશ્વ પર ચઢયા છે, મહાવીરરસરૂપ તેમને દેવો પણ આશ્ચર્યદ્રષ્ટિથી જોઈ રહ્યા છે, જ્યાં
યુદ્ધ વાજિંત્રો વાગી રહ્યા છે, એવા સામંતો કેવી રીતે પાછા ફરે? મેં આ જન્મમાં અનેક
લીલાવિલાસ કર્યો છે, સુમેરુ પર્વતની ગુફા, નંદનવન આદિ મનોહર વનમાં દેવાંગના
સમાન અનેક રાણી સહિત નાના પ્રકારની ક્રીડા કરી છે, આકાશને અડે એવાં
શિખરોવાળાં રત્નમયી ચૈત્યાલયો બનાવરાવ્યાં છે, વિધિપૂર્વક ભાવ સહિત જિનેન્દ્રદેવની
પૂજા કરી છે, અર્થી જનોને તેમણે જે માગ્યું તે આપ્યું છે એવા કિમિચ્છિક દાન આપ્યા છે.
આ મનુષ્ય લોકમાં દેવ સમાન ભોગ ભોગવ્યા છે અને પોતાના યશથી પૃથ્વી ઉપર વંશ
ઉત્પન્ન કર્યો છે માટે આ જન્મમાં તો અમારી બધી બાબતોમાં ઇચ્છા પૂર્ણ થઈ છે. હવે જો
મહાસંગ્રામમાં પ્રાણ તજીએ તો એ શૂરવીરની રીતિ જ છે. પરંતુ શું અમે લોકોને મોઢે
એવું બોલાવીએ કે માલી કાયર થઈને પાછો ફરી ગયો અથવા ત્યાં જ મુકામ કર્યો?
લોકોના આવા નિંદના શબ્દો ધીરવીર કેવી રીતે સાંભળે? ધીરવીરોનું ચિત્ત ક્ષત્રીયવ્રતમાં
સાવધાન હોય છે. આ પ્રમાણે ભાઈને કહીને પોતે સેના સહિત વૈતાડ પર્વત પર ક્ષણમાત્રમાં
ગયા અને બધા વિદ્યાધરો ઉપર આજ્ઞાપત્ર મોકલ્યા. કેટલાક વિદ્યાધરોએ તેમની