અન્વયાર્થઃ — [ अर्हत्सिद्धसाधुषु भक्तिः ] અર્હંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, [ धर्मे या च खलु चेष्टा ] ધર્મમાં ખરેખર ચેષ્ટા [ अनुगमनम् अपि गुरूणाम् ] અને ગુરુઓનું અનુગમન, [ प्रशस्तरागः इति ब्रुवन्ति ] તે ‘પ્રશસ્ત રાગ’ કહેવાય છે.
૧. અર્હંત-સિદ્ધ-સાધુઓમાં અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે [કારણ કે ‘સાધુઓ’માં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે].
[નિર્દોષ પરમાત્માથી પ્રતિપક્ષભૂત એવાં આર્ત-રૌદ્રધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ તેમનો, રાગાદિવિકલ્પરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષ રહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અર્હંતો કહેવાય છે.
લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણીયાદિ-અષ્ટકર્મના અભાવથી સમ્યક્ત્વાદિ-અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા આત્મતત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ નિશ્ચળ-અનુભૂતિ, પરદ્રવ્યની ઇચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મદ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન — આવા નિશ્ચયપંચાચારને તથા તેના સાધક વ્યવહાર- પંચાચારને — કે જેની વિધિ આચારાદિશાસ્ત્રોમાં કહી છે તેને — એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે.