આશ્ચર્યકારી કવિત્વશક્તિ તેમનામાં સહજ રહેલી છે. આ ભવ્ય રચનાઓ દ્વારા સમગ્ર મુમુક્ષુ
જગત ખૂબ ખૂબ ઉપકૃત થયેલ છે. આ માટે શ્રી હિંમતભાઇનો જેટલો ઉપકૃતભાવભીનો
આભાર માનવામાં આવે તેટલો ઓછો છે. પંચપરમાગમ જેવાં પવિત્ર શાસ્ત્રોનો અનુવાદ
તેમણે સંપૂર્ણ નિઃસ્પૃહભાવે નિજકલ્યાણ અર્થે કર્યો છે. આ મહાન લોકોત્તર કાર્ય કરવાનું પરમ
સૌભાગ્ય મળ્યું તે માટે તેઓ ખરેખર ઘણા જ અભિનંદનીય છે.
જેમની અંતઃપરિણતિ નિરંતર શુદ્ધાત્મ-અભિમુખ પ્રગતિ કરી રહી છે એવા આ,
પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના મહાન કૃપાપાત્ર, ઊંડા આદર્શ આત્માર્થી
પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો—પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી
બહેનશ્રીની ઉપકારછાયાતળે—આપણને અમૂલ્ય સત્સમાગમ પ્રાપ્ત થયો છે તે આપણું મહાન
પરમ સૌભાગ્ય છે. વર્તમાન જેમની અંતરંગ દશા આત્મસાક્ષાત્કારના પુરુષાર્થ તરફ સતત
ઢળી રહી છે એવા આ ‘નિકટ મોક્ષગામી’ અને ‘નિકટ ભવી’ને આપણા સૌનાં શત શત
હાર્દિક અભિવાદન.
આવા અનેક સદ્ગુણોના ધારક, આપણા આદરણીય પંડિતરત્ન શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહ પ્રત્યે ઉપકૃતભાવભીનો અહોભાવ વ્યક્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ
અમે ધન્યતા અનુભવીએ છીએ.
માગશર વદ ૮, વિ. સં. ૨૦૫૮,
ભગવત્કુંદકુંદ-‘આચાર્યપદારોહણ’ દિન
❀
—પ્રમુખ તથા ટ્રસ્ટીગણ