✾ શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ ✾
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય
સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ
કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય
તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી
સમ્યક્ત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃ — જો એમ છે, તો જિનમાર્ગમાં બંને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે — એ
કેવી રીતે?
ઉત્તરઃ — જિનમાર્ગમાં ક્યાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો
‘સત્યાર્થ આમ જ છે’ એમ જાણવું; તથા ક્યાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે,
તેને ‘આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’ એમ જાણવું. આ પ્રમાણે
જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ
જાણી ‘આમ પણ છે અને આમ પણ છે’ એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોને ગ્રહણ
કરવાનું કહ્યું નથી.
પ્રશ્નઃ — જો વ્યવહારનય અસત્યાર્થ છે, તો તેનો ઉપદેશ જિનમાર્ગમાં શા માટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃ — આવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે; ત્યાં આ ઉત્તર આપ્યો છેઃ —
जह ण वि सक्क मणज्जो अणज्जभासं विणा दु गाहेदुं ।
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।
અર્થઃ — જેમ અનાર્યને – મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય
નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી આ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે — ‘व्यवहारनयो नानुसर्तव्यः’ અર્થાત્
નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહારનય
છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
પ્રશ્નઃ — (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય — એ કેવી રીતે? તથા
(૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો — એ કેવી રીતે?