Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 296

 

background image
છે. આ રીતે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને
પંચાસ્તિકાયસંગ્રહ જેવાં ઉત્તમોત્તમ
રત્નચતુષ્ટયશાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને
મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને અત્યંત
પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ
સંસ્થા જેટલો આભાર માને તેટલો ઓછો છે. આ અનુવાદ અમૂલ્ય છે...કેમ કે માત્ર પૂજ્ય
ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઈને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર
કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય? આ અનુવાદના મહાન કાર્ય બદલ તેઓશ્રીને
અભિનંદનરૂપે કંઈક કીમતી ભેટ આપવાની આ સંસ્થાની ઘણી જ ઉત્કંઠા હતી, અને તે સ્વીકારવા
માટે તેમને વારંવાર આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારવાની સ્પષ્ટ
ના જ પાડી. તેમની આ નિસ્પૃહતા પણ અત્યંત પ્રશંસનીય છે. લગભગ નવ વર્ષ પહેલાં
પ્રવચનસારના અનુવાદ વખતે જ્યારે તેમને ભેટના સ્વીકાર માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે
વૈરાગ્યપૂર્વક એવો જવાબ આપ્યો હતો કે ‘‘મારો આત્મા આ સંસાર પરિભ્રમણથી છૂટે એટલે બસ,
બીજો કાંઈ બદલો મારે જોઈતો નથી.’’ ઉપોદ્ઘાતમાં પણ પોતાની આ ભાવના વ્યક્ત
કરતાં તેઓ લખે છે કેઃ ‘ આ અનુવાદ મેં શ્રી પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યેની ભક્તિથી અને
ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે.’

ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં
અનેક કામોમાં ઘણી કીમતી મદદ બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે, તે માટે
તેમનો આભાર માનવામાં આવે છે. આ શાસ્ત્રની મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના સંશોધન
માટે ‘શ્રી દિગંબર જૈન શાસ્ત્રભંડાર’ ઇડર, તથા ‘ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ’ પૂના
તરફથી અમને હસ્તલિખિત પ્રતો મળી છે, તેથી તે બંને સંસ્થાઓનો પણ અત્રે આભાર માનીએ
છીએ. ભાઈશ્રી અમૃતલાલ દેવકરણ વોરાએ પોતાના ‘અમૃત પ્રિન્ટિંગ પ્રેસ’માં ઘણી કાળજી અને
હોંશપૂર્વક આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે.
મુમુક્ષુ જીવો સહેલાઈથી આ પરમાગમનો લાભ લઈ શકે તે હેતુથી આ પરમાગમના
પ્રકાશનમાં કેટલાંક ભાઈબહેનોએ આર્થિક સહાય આપી છે તેથી આની કિંમત ઘટાડીને માત્ર ત્રણ
રૂપિયા રાખવામાં આવી છે. આર્થિક સહાય આપનારાં ભાઈબહેનોનો આ ટ્રસ્ટ આભાર માને છે.
મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્ગુરુગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા
ભાવોને સમજો...અને શાસ્ત્રના તાત્પર્યભૂત વીતરાગભાવને પ્રાપ્ત કરો...એ જ ભાવના.
વીર સંવત ૨૪૮૪
વિ. સં. ૨૦૧૪
માગશર વદ આઠમ,
કુંદકુંદ-આચાર્યપદારોહણ દિન
પ્રમુખ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ ૬ ]