Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 256
PDF/HTML Page 87 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૪૭
व्यपगतपञ्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च
अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति ।।२४।।

અન્વયાર્થ[कालः इति] કાળ (નિશ્ચયકાળ) [व्यपगतपञ्चवर्णरसः] પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, [व्यपगतद्विगन्धाष्टस्पर्शः च] બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, [अगुरुलघुकः] અગુરુલઘુ, [अमूर्तः] અમૂર્ત [] અને [वर्तनलक्षणः] વર્તના- લક્ષણવાળો છે.

*ભાવાર્થઅહીં નિશ્ચયકાળનું સ્વરૂપ કહ્યું છે.

લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળાણુ (કાળદ્રવ્ય) સ્થિત છે. આ કાળાણુ (કાળદ્રવ્ય) તે નિશ્ચયકાળ છે. અલોકાકાશમાં કાળાણુ (કાળદ્રવ્ય) નથી.

આ કાળ (નિશ્ચયકાળ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે, વર્ણાદિ રહિત હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી સૂક્ષ્મ, અતીંદ્રિયજ્ઞાનગ્રાહ્ય છે. વળી તે ષટ્ગુણ- હાનિવૃદ્ધિસહિત અગુરુલઘુત્વસ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે; એટલે કે, જેમ શિયાળામાં સ્વયં અધ્યયનક્રિયા કરતા પુરુષને અગ્નિ સહકારી (બહિરંગ નિમિત્ત) છે અને જેમ સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચેની ખીલી સહકારી છે તેમ નિશ્ચયથી સ્વયમેવ પરિણામ પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને (વ્યવહારથી) કાળાણુરૂપ નિશ્ચયકાળ બહિરંગ નિમિત્ત છે.

પ્રશ્નઅલોકમાં કાળદ્રવ્ય નથી તો ત્યાં આકાશની પરિણતિ કઈ રીતે થઈ શકે?

ઉત્તરજેમ લટકતી મોટી દોરીને, મોટા વાંસને કે કુંભારના ચાકને એક જ જગ્યાએ સ્પર્શવા છતાં સર્વત્ર ચલન થાય છે, જેમ મનોજ્ઞ સ્પર્શનેન્દ્રિયવિષયનો કે રસનેન્દ્રિયવિષયનો શરીરના એક જ ભાગમાં સ્પર્શ થવા છતાં આખા આત્મામાં સુખાનુભવ થાય છે અને જેમ સર્પદંશ કે વ્રણ (જખમ) વગેરે શરીરના એક જ ભાગમાં થવા છતાં આખા આત્મામાં દુઃખવેદના થાય છે, તેમ કાળદ્રવ્ય લોકાકાશમાં જ હોવા છતાં આખા આકાશમાં પરિણતિ થાય છે કારણ કે આકાશ અખંડ એક દ્રવ્ય છે. *શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૨૪મી ગાથાની ટીકા લખી નથી તેથી ગુજરાતી અનુવાદમાં અન્વયાર્થ

પછી તુરત જ ભાવાર્થ લખવામાં આવ્યો છે.