Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1031 of 4199

 

સમયસાર ગાથા ૮૬ ] [ ૨પ૯

છે. આચાર્યદેવ છે તો છદ્મસ્થદશામાં પણ જોરદાર વાત કરી છે. આ પંચમ આરાના મુનિનું કથન છે. અમૃતચંદ્રદેવે હજાર વર્ષ પહેલાં આ વાત કરી છે. આત્માને પંચમ આરાથી શું સંબંધ છે? બહુ ઊંચી વાત કરી છે. એક તો ભૂતાર્થના પરિગ્રહની વાત કરી અને બીજી વાત એ કરી કે એકવાર મિથ્યાત્વનો નાશ થાય પછી મોહ ફરીથી ઉત્પન્ન નહિ થાય, ફરી બંધન નહિ થાય. ચારિત્રના દોષનો થોડો બંધ છે પણ તે મુખ્ય નથી. અલ્પ સ્થિતિ-રસ પડે છે તેને બંધ ગણવામાં આવ્યો નથી.

પ્રભુ! તું જેમાં ઉદયભાવનો પ્રવેશ નથી એવો જ્ઞાનઘન આત્મા છો. એનું એકવાર યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય. અહાહા...! અપ્રતિહત ક્ષયોપશમ સમકિત છે તે ક્ષાયિક સમકિત સાથે જોડાઈ જશે. અહીં પડવાની વાત કરી નથી. જે ચડયા તે પડે કેવી રીતે? ભગવાન ચિદાનંદ પર આરૂઢ થયા તે કેમ પડે? અરે! આ તો વીરોનો વીરપંથ છે. કાયરનાં અહીં કામ નથી. કોઈ પડી જાય તો? અરે! અહીં પડવાની કયાં માંડી?

મીરાબાઈના નાટકમાં વૈરાગ્યનું દ્રશ્ય આવે છે. રાણો કહે છે કે મીરાં! તું મારા રાજ્યમાં આવ, તને પટ્ટરાણી બનાવું. ત્યારે જવાબમાં મીરાં કહે છે-

“પરણી મારા પિયુજીની સાથ, બીજાનાં મીંઢળ નહિ રે બાંધું,
રાણા! બીજાનાં મીંઢળ નહિ રે બાંધું.”

અહા! આવું દ્રશ્ય જોઈને વૈરાગ્યની ધૂન ચઢી જતી. એમ ધર્મી જીવ કહે છે કે-

“અમને રુચિમાં છે આતમદેવ, બીજે (રાગમાં) અમને રુચે નહિ”

અમે ભગવાન આત્માની પ્રતીતિ કરી છે, હવે અમારે બીજાનો પ્રેમ ન હોય.

સીતાજીનું અપહરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો. પછી ત્યાં બગીચામાં સીતાજીને મનાવવા જાય છે. ત્યારે સીતાજી રાવણને કહે છે-રામચંદ્ર સિવાય સ્વપ્ને પણ અમને બીજો પતિ ન હોય. રાવણ! દૂર ઉભો રહેજે; નહિતર સતીના મુખમાંથી નીકળેલાં વચન તને ભસ્મ કરી દેશે. હું તો પતિવ્રતા સ્ત્રી છું. બીજાનું લક્ષ અમને સ્વપ્ને પણ ન હોય. એમ અહીં ધર્મી કહે છે કે અમને એકવાર ભેદજ્ઞાન થયું છે. હવે અમે પડવાના નથી. ફરીને અમને બંધ નહિ થાય. અહાહા...! જગતને ઉપદેશ આપતા આચાર્યદેવ કેટલા જોરથી વાત કરે છે!

એકવાર સમ્યગ્જ્ઞાન પ્રગટ થયા પછી અજ્ઞાન કેમ આવે? અને ફરી બંધ કયાંથી થાય? કદી ન થાય.