૨૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
‘અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે. પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું.’
પોતાના ત્રિકાળી સ્વભાવને ભૂલીને રાગ અને પરવસ્તુ મારાં છે અને હું તેનો કર્તા છું એવું મોહરૂપી અજ્ઞાન અનાદિનું છે. આમ તો અજ્ઞાન એક એક સમયનું છે. બીજા સમયે બીજું, ત્રીજા સમયે ત્રીજું એમ પરંપરાથી પ્રવાહરૂપે અજ્ઞાન અનાદિનું છે. અજ્ઞાનની પર્યાયનો પ્રવાહ અનાદિથી છે તેથી અજ્ઞાન અનાદિનું કહ્યું છે. એવી પર્યાયને ગ્રહણ કરવી તે પર્યાયબુદ્ધિ છે. આ પર્યાયબુદ્ધિનો ત્યાગ કરીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યનું ગ્રહણ કરવું તે જૈનધર્મ છે. જૈનધર્મ છે તે પર્યાય છે પણ તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે-અને તેને પરમાર્થનયનું ગ્રહણ કહે છે. અહીં ભાવાર્થમાં પરમાર્થનયનું ગ્રહણ એમ એક જ શબ્દ લીધો છે. ટીકામાં ભૂતાર્થ, પરમાર્થ, શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને અભેદનયનું ગ્રહણ એમ ચાર શબ્દ લીધા હતા. તે બધાનો એક જ અર્થ છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છતી મોજૂદગીવાળી ચીજ મહાપ્રભુ છે. તેને જેવી છે તેવી જ્ઞાન અને શ્રદ્ધાનમાં લઈને અનુભવ કરતાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યક્ત્વ ઉપજે છે.
જ્ઞાનનો સ્વભાવ જ સ્વપરપ્રકાશક છે. તેથી અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વ એટલે પોતાનો આત્મા સદા જાણવામાં આવે જ છે. પરંતુ તેની દ્રષ્ટિ સ્વ ઉપર જતી નથી. તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ રહે છે. તેથી પોતાને પોતે જણાતો હોવા છતાં દ્રષ્ટિ અન્યત્ર રહેતી હોવાથી અજ્ઞાની હું આ (આત્મા) છું એમ માનતો નથી. તેને કહે છે-ભાઈ! તારી મહત્તા અપરંપાર છે. ત્રણલોકનો નાથ અનંતગુણની સમૃદ્ધિથી ભરેલો તું ચિદાનંદ ભગવાન છે. તારી દ્રષ્ટિ તું ત્યાં સ્થાપ. તેથી મિથ્યાત્વનો નાશ થઈને તને સમ્યગ્દર્શન થશે અને પછી ફરીથી મિથ્યાત્વ નહિ થાય. રાગ અને પર્યાય પરથી દ્રષ્ટિ હઠાવીને તારી ચૈતન્યમય ત્રિકાળી ચીજ પ્રતિ દ્રષ્ટિ કર.
શ્રદ્ધાની પર્યાય જાણતી નથી. જાણે છે તો જ્ઞાનની પર્યાય. શ્રદ્ધાની પર્યાય સ્વ તરફ ઝુકવાથી દ્રવ્યની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાની પર્યાય અનાદિથી પર તરફ-રાગ અને નિમિત્ત તરફ ઝુકેલી છે. તે શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ ઝુકે તો દ્રવ્ય જ તેની શ્રદ્ધામાં આવે છે અને તેનું જ નામ ધર્મ છે. શ્રદ્ધામાં આ દ્રવ્ય છે એવું જ્ઞાન નથી. શ્રદ્ધાની પર્યાય અંતર્મુખ વળી ત્યાં આ આત્મા તે જ હું એમ ભગવાન આત્માની