સમયસાર ગાથા ૮૬ ] [ ૨૬૧
પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધર્મનું પહેલું પગથિયું છે. સાથે જે અનુભૂતિ છે તેમાં એનો ખ્યાલ આવે છે.
અરે ભાઈ! શુભભાવનો તને કેમ આટલો પ્રેમ છે? શુભભાવ તો અભવિને પણ થાય છે. નિગોદના જીવને પણ શુભભાવ થતા હોય છે. શુભભાવ એ તો કર્મના સંગે થતો વિકાર છે. લસણની એક બારીક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર હોય છે. અને તે દરેકમાં અનંત નિગોદિયા જીવ હોય છે. તે દરેક જીવને ક્ષણે શુભ ક્ષણે અશુભ એવા ભાવ થયા કરે છે. માટે શુભભાવ એ કોઈ નવી અપૂર્વ ચીજ નથી. નિયમસારમાં (શ્લોક ૧૨૧માં) આવે છે કે કથનમાત્ર એવા વ્યવહારરત્નત્રયના પરિણામને ભવસાગરમાં ડૂબેલા જીવે અનંતવાર કર્યા છે. અરે ભાઈ! ભવના ભાવ ઉપરથી દ્રષ્ટિ ખસેડીને ગુલાંટ ખા. શ્રદ્ધાની પર્યાય શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં અંદર જાય તે અપૂર્વ ચીજ છે. પલટો ખાઈને તું અંતરમાં-વસ્તુમાં ઢળી જા. તેથી તને અલૌકિક અનુભવ સહિત સમ્યગ્દર્શન થશે. આ રાગની મંદતા અને પરલક્ષી જાણપણું એ કોઈ ચીજ નથી. પરમાર્થનયના ગ્રહણથી મિથ્યાત્વનો નાશ થાય એ મુદની ચીજ છે.
ભગવાન આત્મા શુદ્ધચૈતન્યમય વસ્તુમાં ઝુકાવ કરવાથી જે ભૂતાર્થનો અનુભવ થયો તે અનુભવથી મિથ્યાત્વનો નાશ થાય છે, કષાયની મંદતાથી મિથ્યાત્વનો નાશ થતો નથી. કષાયની મંદતા હોય તો અનંતાનુબંધી અને દર્શનમોહનો રસ થોડો પડે છે. પણ એ કાંઈ ચીજ નથી. રાગ મંદ થાય તે કાંઈ વસ્તુ નથી, કેમકે શુભના કાળમાં મિથ્યાત્વનો રસ મંદ હો પણ એનાથી કાંઈ મિથ્યાત્વનો નાશ થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે અને તે અનંત તીર્થંકરોએ એમ જ જાણી છે અને કહી છે.
અહીં આચાર્યદેવ કહે છે કે એકવાર અનુભવ થયો પછી બંધન કેમ થાય? સ્વરૂપની સાવધાનીમાં અનુભવના કાળે દર્શનમોહનો નાશ થાય છે. ત્યાં પ્રથમ ઉપશમ સમકિત થઈને ક્ષયોપશમ સમકિત થાય છે. તે ક્ષયોપશમ પણ પડવાનું નથી એમ કહે છે. દ્રવ્યનો અભાવ થાય તો ક્ષયોપશમ સમકિત પડી જાય એમ જોરદાર વાત કરી છે. મિથ્યાત્વ ગયા પછી રાગથી અલ્પબંધન થાય તે અહીં ગણતરીમાં નથી, કેમકે જે ભાવથી અનંત સંસાર વધે તે ભાવને સંસાર અને બંધન (મુખ્યપણે) કહેવામાં આવ્યું છે.
એકવાર જ્ઞાન થઈને ક્ષાયિક સમકિત ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત્ મોક્ષ જ થાય એમ જાણવું. મિથ્યાત્વ છે એ જ આસ્રવ-બંધ છે. શક્તિરૂપ સ્વભાવનો-મોક્ષસ્વરૂપ સ્વભાવનો અનુભવ થયો તેને વ્યક્તિરૂપ મોક્ષ થશે જ થશે, પડવાની વાત જ નથી.