૨૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
ઊપજે છે. તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
અરે! જેને બે દ્રવ્યો વચ્ચે ભિન્નતા કરવાની તાકાત નથી તેને રાગ અને સ્વભાવને ભિન્ન કરવાની તાકાત કયાંથી આવશે? રાગથી ભિન્ન અંદર જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યસ્વભાવમય અતીન્દ્રિય આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે. તેનો આશ્રય કરવાથી ધર્મની દશા- આનંદની દશા ઉત્પન્ન થાય છે. વ્યવહારથી કે રાગથી ધર્મની દશા ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી એમ આચાર્યદેવ કહે છે.
કોઈ એમ કહે કે સમ્યગ્દર્શન થયા પછી જે અવ્રતના પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના કારણે થાય છે; તેને કહે છે કે એમ નથી. જુઓ, બળદેવે વાસુદેવનું મડદું છ માસ માટે ખભે ફેરવ્યું ત્યાં ચારિત્રમોહના ઉદયના કારણે તે ભાવ આવ્યો હતો એમ નથી. તે ભાવ સ્વયં પોતાના કારણે થયેલો છે, ચારિત્રમોહનો ઉદય તો નિમિત્તમાત્ર છે.
એક છૂટો પરમાણુ સૂક્ષ્મ છે. તે સ્થૂળ સ્કંધમાં ભળતાં સ્થૂળતાને ધારણ કરે છે. તો તે સ્થૂળને લઈને સૂક્ષ્મમાંથી સ્થૂળ થયું એમ બીલકુલ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે. બીજા પરમાણુમાં બીજાને સ્થૂળ કરવાની અયોગ્યતા છે. તે પરમાણુની સ્થૂળ થવાની પોતાની યોગ્યતા છે માટે તે સૂક્ષ્મ પલટીને સ્થૂળ થાય છે.
રાગથી આત્માને લાભ થાય, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદર્શન છે. પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્ય-સાધનની વાત કરી છે તે ઉપચારથી કરી છે. વળી રાગ પોતે કરે અને નાખે કર્મના માથે તો તે પણ અનીતિ-અન્યાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે તારો સંસાર તારા અપરાધથી છે; તારો અપરાધ એટલો કે પોતાને ભૂલીને પરને તું પોતાનું માને છે. શ્રીમદ્ રાજચંદ્રજી સમ્યગ્દષ્ટિ અનુભવી પુરુષ હતા. અલ્પકાળમાં મોક્ષ જવાના છે. તેમની ક્ષયોપશમ શક્તિ અજબ હતી. તેમણે સંક્ષેપમાં કહ્યું છે કે-જીવ પોતાના અપરાધથી સંસારમાં રખડે છે, કર્મના કારણે રખડે છે એમ નથી.
અહો! દિગંબર સંતોએ અલૌકિક માર્ગ કહ્યો છે. કહે છે કે-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તે જીવ જ છે. વિકારમાત્રથી એટલે પોતાની વિકૃત અવસ્થાથી જીવમાં વિકાર થયો છે, નિમિત્તથી થયો છે એમ બીલકુલ નથી. જેમ લીલી, પીળી આદિ અવસ્થાપણે અરીસો