૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ પ્રકારે થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
અહાહા...! પરમાર્થથી તો ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન છે, તે વસ્તુના સર્વસ્વભૂત છે અને ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. તોપણ અશુદ્ધ, સાંજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામે છે. જુઓ, કર્મ-નિમિત્ત વિકાર કરાવે છે એમ નથી. વિકારનો કર્તા જડ કર્મ છે એમ નથી. વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાદ્રષ્ટિ કર્તાપણાને પામીને જે જે ભાવને પોતાના કરે છે તે તે ભાવનો તે (ઉપયોગ) કર્તા થાય છે; જડકર્મ કર્તા થાય છે એમ નથી. કર્મ નિમિત્ત હો. નિમિત્તની કોણે ના પાડી છે? પણ નિમિત્તના કારણે જીવને પર્યાયમાં વિકાર થયો છે એમ નથી. સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ વિકારી ભાવનો કર્તા થાય છે. ઉપયોગ સ્વયં પોતાના કારણે અજ્ઞાની થઈને વિકારરૂપ પરિણમીને તે તે ભાવનો કર્તા થાય છે. આવી વાત છે. કોઈ ઠેકાણે વ્યવહારનું કથન આવે પણ ત્યાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. વ્યવહાર નિશ્ચયનું કર્તા છે એમ ન સમજવું.
કર્મથી વિકાર થાય છે એ મોટી ગડબડ અત્યારે ચાલે છે. પણ એ વાત તદ્ન ખોટી છે-એમ અહીં સિદ્ધ કરે છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિભાવરૂપ વિકારી પરિણામનો સ્વયં અજ્ઞાની થઈને ઉપયોગ કર્તા થાય છે. અન્યમતવાળા કહે છે કે જગતના કાર્યનો ઈશ્વર કર્તા છે અને કોઈ અજ્ઞાની એમ કહે છે કે મારા સંસાર અને વિકારનો કર્તા જડ કર્મ છે-તો આ બન્નેની માન્યતા એક સરખી જૂઠી છે. અહીં આ દિગંબર સંતોની જે વાણી છે તે પરમ સત્ય છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ કહે છે કે-‘‘મારા મુખમાંથી પરમાગમ ઝરે છે.’’ અહા! આવી સત્ય વાત કોઈને ન રુચે તો શું થાય? પણ સત્ય તો આ જ છે.
નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ વાત ખાસ સમજવા જેવી છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના સ્થાનમાં છે. તેમ દ્રવ્યની પર્યાયમાળામાં પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળ-સ્થાનમાં છે. જે પર્યાયનો જે કાળ હોય ત્યારે તે જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. આગળ-પાછળ નહિ. આવો નિર્ણય કરવામાં પાંચે સમવાય આવી જાય છે.
-જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે પર્યાય પ્રગટ થઈ ત્યાં કાળ આવ્યો. -જે પર્યાય થવાની છે તે જ થઈ-એમાં ભવિતવ્ય આવ્યું. -સ્વભાવના લક્ષે આવો નિર્ણય કર્યો છે-એમાં સ્વભાવ આવ્યો.