સમયસાર ગાથા-૯૦ ] [ પ
-અને સ્વભાવસન્મુખ પર્યાય થઈ એમાં પુરુષાર્થ આવ્યો. -અને ત્યારે કર્મનો અભાવ થયો-એમાં નિમિત્ત આવ્યું.
આમ ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હોય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ હોય છે તે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ક્રમબદ્ધ જે છે એ તો પર્યાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. દ્રવ્યના આશ્રયે સમ્યગ્જ્ઞાન થાય છે. દ્રવ્યના આશ્રયે જે સમ્યગ્જ્ઞાન થયું તે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી.
અહીં કહે છે કે મિથ્યાદર્શન આદિ વિકારી પરિણામનો, ઉપયોગ, સ્વયં અજ્ઞાની થઈને, કર્તા થાય છે. જે જે ભાવને પોતાના કરે તે તે ભાવનો ઉપયોગ કર્તા થાય છે. આ પર્યાયરૂપ ઉપયોગની વાત છે. ત્રિકાળી દ્રવ્યસ્થિત ઉપયોગ તો એનાથી ભિન્ન છે અને એ તો શુદ્ધ નિરંજન છે. પરંતુ પર્યાયનો જે ઉપયોગ છે તે તે કાળે વિકારનો કર્તા થાય છે. જડ કર્મ એમાં નિમિત્ત છે, પણ તે વિકારનું કર્તા નથી. મિથ્યાદર્શન, અજ્ઞાન અને રાગાદિ પુણ્યપાપના ભાવરૂપ જે જે વિકાર થાય છે તે વિકારનો, પોતે વિકારરૂપ પરિણમીને, ઉપયોગ કર્તા થાય છે. કેટલી સ્પષ્ટ વાત છે! ભાઈ! વખત લઈને, નિવૃત્તિ લઈને આ વાતની સમજણ કરવી જોઈએ. અહીં તો કહે છે કે આત્મા કર્મના નિમિત્તથી નિવૃત્ત છે, કેમકે કર્મના નિમિત્તથી વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે એમ છે નહિ.
અહાહા.....! ત્રિકાળી ઉપયોગ શુદ્ધ, નિરંજન, ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે; તોપણ વર્તમાન પર્યાયરૂપ ઉપયોગ અશુદ્ધ, સાંજન અને અનેકપણાને પામતો થકો મિથ્યાત્વાદિ ત્રણ પ્રકારનો થાય છે. અજ્ઞાની જીવ અનેક પ્રકારના મિથ્યાત્વાદિ ભાવને પ્રાપ્ત થાય છે. વર્તમાન ઉપયોગ છે તે અજ્ઞાની થયો થકો ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. જડ કર્મ વિકારના કર્તાપણાને પામે છે એમ નથી. પુણ્ય-પાપ, દયા, દાન, વિષયવાસના ઇત્યાદિ જે ભાવ થાય છે તેમાં જડ કર્મ નિમિત્ત છે, પણ તે નિમિત્તના કારણે એ ભાવ થાય છે એમ નથી. અજ્ઞાનીનો ઉપયોગ ત્રણ પ્રકારે થઈને કર્તાપણાને પામે છે. અજ્ઞાની પોતે રાગનો કર્તા થાય છે. આમાં ગર્ભિતપણે એમ પણ આવ્યું કે જ્ઞાની રાગનો કર્તા નથી. જ્ઞાની તો રાગનો જ્ઞાતા છે. જ્ઞાનીને જે રાગ છે તે રાગનો આત્મા કર્તા નથી.
ભાઈ! આ તો વીતરાગનો માર્ગ છે. સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રો ભગવાનની દિવ્યધ્વનિનો સાર છે. સર્વજ્ઞ પરમાત્માએ જે કહ્યું તે અનુસાર ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની અંતઃમુહૂર્તમાં રચના કરનારા ગણધરોએ કહ્યું છે. તેનો સાર આ શાસ્ત્રોમાં ભર્યો છે. અરે! અજ્ઞાની અલ્પજ્ઞ જીવો એમાં પોતાની મતિ-કલ્પનાથી અર્થ કરે તે કેમ ચાલે? તેમાં જરાય ફેરફાર કરે તો એથી મિથ્યાત્વનો મહા દોષ ઊપજે.