૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ રાગ ધારેલો નથી, એકલી ચૈતન્ય-ચૈતન્યમય વસ્તુ છે. આવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં આરૂઢ થતાં એટલે કે તેનો આશ્રય કરતાં આત્મા રાગથી ભિન્ન થઈને માત્ર જાણનાર જ રહે છે. જુઓ આ ભેદજ્ઞાનને પ્રાપ્ત સમકિતીનું સ્વરૂપ! નિજ ચૈતન્યધાતુનો આશ્રય કરતો થકો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી; જ્ઞાતા જ રહે છે રાગના સૂક્ષ્મ અંશનો પણ જ્ઞાની કર્તા નથી. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ષોડશકારણ ભાવનાના રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા નથી; જ્ઞાનમાં તેને તે ભિન્નરૂપે માત્ર જાણે જ છે.
‘જે સ્વપરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી.’
લોકો કહે છે ને કે કરવું શું? તો કહે છે કે આ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે કરવાનું છે. ભેદજ્ઞાન કરે નહિ અને રાગની મંદતા કરે તો એથી કાંઈ સાધ્ય નથી. રાગની મંદતા તો અનાદિથી કરતો આવ્યો છે. એમાં નવું શું છે? અરે ભાઈ! પહેલાં શ્રદ્ધામાં તો પક્ષકર કે જ્ઞાનમય ભગવાન આત્મા અને રાગમય વિકાર તે બન્ને તદ્ન ભિન્ન ચીજ છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. રાગથી ભિન્ન જ્યાં જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું ત્યાં જ્ઞાની રાગને જાણે જ છે, તેનો કર્તા થતો નથી.
એક વણિક હતો. તેને એક છોકરો હતો. તે વણિકની પહેલી પત્ની ગુજરી જતાં તેણે નવી બાઈ સાથે લગ્ન કર્યું. એક વાર તે નવી મા, દીકરાની વહુનો સાલ્લો પહેરીને ઓરડામાં સૂતી હતી. છોકરાને ખબર નહિ કે કોણ સૂતું છે. છોકરાને વિષયનો રાગ થઈ આવતાં અંદર ઓરડામાં જઈને હાથ અડાડયો. ત્યાં મા જાગી ગઈ અને બોલી-‘બેટા વહુ ન્હાવા ગયાં છે.’ છોકરાને જ્ઞાન થયું કે અહા! આ તો માતા છે, પત્ની નહિ! આમ જ્ઞાન થતાં જ ફડાક વૃત્તિ બદલાઈ ગઈ. તત્ક્ષણ વિષયનો રાગ નાશ પામી ગયો. તેમ આત્મા રાગથી ભિન્ન પ્રભુ આનંદનો નાથ છે એવું જ્યાં અંતર એકાગ્ર થતાં જ્ઞાન થયું કે ભેદજ્ઞાન પ્રગટ થાય છે અને તત્કાલ રાગની દ્રષ્ટિ છૂટી જાય છે. તે રાગનો કર્તા મટીને જ્ઞાતા થઈ જાય છે. આવો જ્ઞાન- ભેદજ્ઞાનનો અલૌકિક મહિમા છે.
ભાઈ! જન્મ-મરણનાં દુઃખનો અંત કેમ આવે એની આ વાત છે. ૮૪ લાખ યોનિમાં સહન ન થાય એવાં દુઃખ તેં સહન કર્યાં છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓનાં રૂદનનાં આંસુ એકઠાં કરીએ તો અનંત સમુદ્ર ભરાય એટલા ભવ તું કરી ચૂકયો છે. તારા ભવનો અંત કેમ આવે એની અહીં આચાર્યદેવે વાત કરી છે. કહે છે કે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુને છોડી રાગની-સંયોગી ભાવથી એક્તા કરવી તે વ્યભિચાર છે, કેમકે રાગ તારી સ્વભાવભૂત ચીજ નથી. પ્રભુ! રાગના કર્તાપણે પરિણમવું તે વ્યભિચાર છે; તે તને ન શોભે. જો; જ્ઞાની તો પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દ્રષ્ટિ કરીને માત્ર જાણનાર જ રહે છે, કિંચિત્માત્ર કર્તા થતા નથી.