Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1161 of 4199

 

૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ પુણ્ય-પાપના ભાવ જે અજ્ઞાન છે, દુઃખમય છે તે કરવા યોગ્ય નથી. આચાર્ય કહે છે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે.

અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યઘન પ્રભુ અંતરમાં બિરાજમાન છે. તેનું શ્રદ્ધાન- જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવું એ મોક્ષનો એટલે જન્મ-મરણના ક્ષયનો ઉપાય છે. તેથી કહે છે વ્યવહાર અને પર નિમિત્તની વાત છોડ એક બાજુ; અને આ મનુષ્યભવમાં ધ્રુવધામ ભગવાન આત્માને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરીને ધન્ય થઈ જા. શ્રુતનો તો પાર નથી. અરે! ભગવાનની કહેલી વાત બાર અંગમાં પણ પુરી આવતી નથી એવો શ્રુત તો અગાધ સમુદ્ર છે; અને આપણે મંદબુદ્ધિ છીએ. માટે જે વડે જન્મ-મરણનો ક્ષય થાય એ જ (ભેદજ્ઞાન કળા) શીખવા યોગ્ય છે. એ સિવાય બીજી કોઈ વાત શીખવા યોગ્ય નથી.

અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ કરે છે, પણ પરનું તે કાંઈ કરી શકતો નથી. પરનું કરે તો પરમાં તન્મય થઈ જાય. પોતાની સત્તા છોડીને પરમાં તન્મય થાય તો પોતાનો નાશ થઈ જાય. પણ એમ બનતું નથી. માટે આત્મા પરનો કર્તા નથી. આ રળવું-કમાવું, વેપાર-ધંધા અને ઉદ્યોગ કરવા એ આત્માનાં કાર્ય નથી, અને આત્માનાં માને એ મૂઢતા છે.

અમૃતચંદ્રાચાર્યદેવ એમ કહે છે કે બહારના ક્ષયોપશમથી બસ થાઓ! ત્યાં વિકલ્પ ઉઠે એનાથી તો ક્ષોભ થાય છે. અમારે તો જન્મ-મરણનો ક્ષય થઈ જાય બસ એ જ કામ છે. માટે હે ભાઈ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે તે એકની ઉપર તારી દ્રષ્ટિ લગાવી દે. તે એક જ કર્તવ્ય છે, તે એક જ શીખવા યોગ્ય છે. કહ્યું છે ને કે-‘જ્ઞાન સિવાય બીજું શું કરે?’ આ મોટી વકીલાતના ધંધા, દાક્તરના ધંધા, વેપાર અને ઉદ્યોગના ધંધા-એ બધા પર મીડાં વાળવા જેવું છે. એ બધું હું કરું છું એ માન્યતા તો અનંત સંસારમાં રખડાવનારી મૂઢતા છે. ૬૨ શ્લોક પુરો થયો.

[પ્રવચન નં. ૧૬૩ શેષ, થી ૧૭૧ ચાલુ * દિનાંકઃ ૨૨-૮-૭૬ થી ૩૧-૮-૭૬]