૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ અને ઇચ્છાને પરના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કેટલાક કહે છે કે આ તો નિશ્ચયની વાત છે. તેને કહીએ છીએ કે-હા, નિશ્ચયની એટલે સત્ય વાત છે. જોગ અને ઇચ્છાનો કર્તા ભગવાન નહિ એનું નામ સત્ય વાત. જોગ અને રાગનો કર્તા સમકિતી નહિ. સમ્યગ્દ્રષ્ટિના જોગ અને રાગ પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નહિ. ધર્મીજીવ જેને પોતાના જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું ભાન થયું છે તેને જોગ અને રાગનું જ્ઞાન પોતાના ઉપાદાનથી થયું છે. અહાહા...! સ્વપરને જાણતું જ્ઞાન તે જ્ઞાનીનું કાર્ય છે તેમાં જોગ, રાગ અને પરની ક્રિયા નિમિત્તમાત્ર છે.
જુઓ, અહીં જોગ અને રાગના પરિણામને ચૈતન્યપરિણામ કહ્યા છે કેમકે અજ્ઞાનીએ જોગ અને રાગનો પોતાને કર્તા માન્યો છે. ખરેખર તો આત્મા જ્ઞાયક પ્રભુ છે. તેનો સ્વભાવ તો બસ જાણવું અને દેખવું છે. તે જાણવા દેખવાનું કાર્ય તો પોતાથી થાય છે. ત્યાં જાણવા- દેખવાના પરિણામનો કર્તા જીવ છે એમ કહેવું એ ઉપચાર છે, કેમકે ખરેખર તો જાણવા દેખવાનું કાર્ય પર્યાયથી થાય છે. જાણવા દેખવાનું કાર્ય પર્યાયનું છે અને તેને જીવનું કાર્ય કહેવું તે ઉપચાર છે. જ્યાં આમ વાત છે ત્યાં રાગનું કાર્ય અને પરનું કાર્ય મારું એ વાત કયાં રહી? અહો! આ વાત અને વાણી ધન્ય છે!
જીવ જોગના કંપનનો અને રાગયુક્ત ઉપયોગનો તો કદાચિત્ એટલે અજ્ઞાનભાવે કર્તા છે પણ પરનાં કાર્ય તે કાળે જે થાય તેનો એ કર્તા નથી. જોગ અને રાગનો કદાચિત્ કર્તા છે એમ કેમ કહ્યું? તો કહે છે કે અજ્ઞાન સદાય રહેતું નથી; જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગ અને જોગનો ર્ક્તા છે અને તે રાગ અને જોગને પરના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા કહેવામાં આવે છે એટલે તે કાંઈ પરના કાર્યના કર્તા છે એમ અર્થ નથી. ભાઈ! જગતનાં કાર્યો મારાથી થાય છે એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અહીં એની સ્પષ્ટ ના પાડે છે.
બીજી કોઈ વાત છે નહિ. અહો! આ તો થોડામાં (પાંચ લીટીમાં) તો બધું ઘણું ભરી દીધું છે. આ રાગ-દ્વેષ, વિષયવાસનાના જે પરિણામ થાય તેનો અજ્ઞાની કર્તા છે પણ વિષયભોગના કાળે શરીરની જે ક્રિયા થાય તે પરમાણુનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. પરમાણુના તે કાર્યકાળે જીવ (દ્રવ્ય) તેમાં નિમિત્ત પણ નથી; જીવ નિમિત્ત થાય તો નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં તેને રાગ-અજ્ઞાનનો કદી નાશ ન થાય. અજ્ઞાની જે જોગ અને રાગનો કર્તા થાય છે તેના જોગ અને રાગને તે કાળે જડની જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
આ મકાન બને, ખુરશી બને, ગાડા બને, વિમાન બને ઇત્યાદિ અનેક કાર્યો થાય છે તેનો કર્તા કોણ? તો કહે છે જડમાં થતાં આ કાર્યોનો કર્તા તે તે જ પરમાણુ છે;