સમયસાર ગાથા-૧૦૦ ] [ ૧૧પ આત્મા તેનો કર્તા નથી; તો એ કાર્યો થાય એમાં નિમિત્ત કોણ છે? જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગને તે કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના યોગ અને ઉપયોગ? તો કહે છે અજ્ઞાનીના; કેમકે અજ્ઞાની યોગ અને રાગનો કર્તા થાય છે.
જે જીવ જોગ અને રાગનો કર્તા થાય તેના જોગ અને રાગ પરદ્રવ્યના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભગવાનની પૂજા કરે ત્યાં આઠ પ્રકારની સામગ્રીની ક્રિયા જડની જડથી થાય છે. તે જડની ક્રિયાનો કર્તા આત્મા નથી. તે ક્રિયાનો કર્તા આત્મા હોય તો પરિણામ અને પરિણામી એક હોવાથી તેમાં આત્મા તન્મય એટલે એકમેક થઈ જાય. વળી તે ક્રિયાના કાળમાં આત્મા તેનું નિમિત્ત છે એમ કહો તો એમ પણ નથી કેમકે તો આત્માને શાશ્વત નિમિત્તપણે રહેવાનો પ્રસંગ આવે. તેથી તે વખતે પૂજા ભક્તિના જે શુભભાવ થાય તે શુભભાવનો જે ર્ક્તા થાય છે તે અજ્ઞાનીના શુભભાવ તે ક્રિયામાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભાઈ! આ તો જૈનદર્શનની સારભૂત વાત છે.
દશલક્ષણી પર્વનો આજે ઉત્તમમાર્દ્રવધર્મનો બીજો દિવસ છે. ઉત્તમમાર્દ્રવધર્મ સમ્યગ્દ્રષ્ટિને અને ચારિત્રવંત મુનિરાજને હોય છે. સમકિતીને અને શ્રાવકને તે અંશે હોય છે અને મુનિદશામાં સવિશેષપણે હોય છે. ઉત્તમ પુરુષો જાતિ અને કુળનું અભિમાન કરતા નથી, શરીરનું બળ અને રૂપ વગેરેનું અભિમાન કરતા નથી. તેમને જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી. પરમાં અહંબુદ્ધિનો-માનનો ત્યાગ તેને માર્દ્રવધર્મ કહે છે. આ ઉત્તમક્ષમાદિ દશ ભેદ ચારિત્રના છે અને એ ચારિત્ર સમ્યગ્દર્શન સહિત હોય છે. અહાહા...! વિવેકજ્યોતિ પ્રગટ થવાથી જેઓ આત્માના નિર્મળ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે તે મુનિવરોને જગતના કયા પદાર્થો અભિમાન કરવા યોગ્ય લાગે? હું તો આનંદમૂર્તિ છું, મારી ચીજ સદાય નિર્માન છે એમ વિચારી આત્માના ધ્યાનમાં સ્થિત રહેનારા તે મુનિવરો ઉત્તમમાર્દ્રવધર્મના સ્વામી છે.
આવા ચૈતન્યવિહારી મુનિવરોને જે શુભભાવ થાય તેના તે જ્ઞાતા જ છે. તેઓ જ્ઞાનને રાગથી ભિન્ન જાણે છે. જ્ઞાનીને સ્વનું જ્ઞાન થયું તે જ કાળે રાગસંબંધી પણ જ્ઞાન થયું છે. ત્યાં રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જે પ્રકારનો રાગ આવ્યો અને જે પ્રકારની શરીરની ક્રિયા થઈ તેનું જ્ઞાન અહીં પોતાથી થાય છે અને ત્યારે પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં રાગ અને શરીરની ક્રિયા નિમિત્ત થાય છે. નિમિત્ત એટલે કર્તા નહિ. જ્ઞાનીને સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે.
કોઈ એમ કહે કે પચાસ ટકા નિમિત્તના અને પચાસ ટકા ઉપાદાનના રાખો. તેને કહે છે કે ભાઈ! બન્નેના સો એ સો ટકા સ્વતંત્ર પોતપોતામાં છે. નિમિત્ત પરનું કામ એક અંશ પણ કરે નહિ. આવો જ વસ્તુનો સ્વભાવ છે.