Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1177 of 4199

 

૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

કેવળજ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે. કેવળજ્ઞાન પોતાને જાણે છે એને લોકાલોકને જાણે છે. કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે; તો લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ નથી. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે; તેથી કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. ઉપાદાન અને નિમિત્ત બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે. કોઈનાથી કોઈ છે એમ છે જ નહિ. નિમિત્ત છે માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ છે નહિ.

અરે! લોકો ‘નિમિત્ત તો છે ને!’ ‘આત્મા નિમિત્ત તો છે ને!’ એમ કહીને પણ કર્તાપણાનું જ સેવન કરતા હોય છે! અર્થાત્ પોતે પરદ્રવ્યના કાર્યના કર્તા થાય છે.

જુઓ, કોઈ હથોડીથી નાળિયેર ફોડે ત્યાં નાળિયેર ફૂટવાની ક્રિયા તો પુદ્ગલની છે, આત્મા તે ક્રિયાનો કર્તા નથી. અજ્ઞાની તે સંબંધી રાગનો કર્તા છે. અજ્ઞાનીના તે રાગને નાળિયેર ફુટવાની ક્રિયાનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નાળિયેર હથોડીથી ફૂટયું છે એમ નથી, તે ફૂટવાની ક્રિયાનો કર્તા તો તે નાળિયેર છે. તે ક્રિયા સમયે તત્સંબંધી જે રાગનો કર્તા છે તે અજ્ઞાનીના યોગ અને ઉપયોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

ત્યાં જ્ઞાનીને તે વખતે નાળિયેર ફૂટયાનું જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં નાળિયેરની ક્રિયા અને રાગ નિમિત્ત છે. ફૂટવાની ક્રિયાનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે. નિમિત્ત છે માટે નિમિત્તનું જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ! આ તો ધીરજ અને શાન્તિથી સમજવાની વાત છે.

કોઈ સમકિતી કુંભાર ઉપસ્થિત હોય અને ઘડો બનવાની ક્રિયા થાય ત્યાં ઘડો તો માટીથી થયો છે; કુંભારના રાગથી કે કુંભારના આત્મદ્રવ્યથી ઘડો થયો નથી. ઘડો થવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તેનો સમકિતી કુંભાર કર્તા નથી, જ્ઞાતા જ છે. ત્યાં ઘડાનું અને રાગનું જે જ્ઞાન થયું તે પોતાથી થયું છે અને ઘડો અને રાગ તેમાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે માટે તેનું જ્ઞાન થયું છે એમ નથી. અહા! ઘડો બનવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તે જ્ઞાનીનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ!

અહીં કહે છે પ્રભુ! તું એકવાર સાંભળ, નાથ! તારી ઋદ્ધિ તો જ્ઞાન છે. રાગ અને પરવસ્તુ તારી ઋદ્ધિ નથી. આવું જેને ભાન થાય તેને કમજોરીથી રાગ આવે પણ તે રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તે સમયે પોતાને અને રાગને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે. પ્રભુ! તારું જ્ઞાન સત્પણે કયારે રહી શકે? કે રાગથી અને પરથી ભિન્ન પડતાં પોતાના સદા નિર્મળ ચૈતન્ય-સ્વભાવનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન સત્પણે રહી શકે છે. (મતલબ કે સ્વભાવનું જ્ઞાન થતાં જ્ઞાન જ્ઞાનથી પોતાથી છે એમ સાચું જ્ઞાન થાય છે). તે જ્ઞાન પોતાથી સ્વપરને જાણતું જે પ્રગટયું છે તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે.

આચાર્યદેવે કર્તાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરી છે. પરદ્રવ્યનો કર્તા કોઈ ઈશ્વર નથી