૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
રમકડાનો મોટો વેપારી હોય તો લોકો કહે કે આ રમકડાનો રાજા છે. અહીં કહે છે- ભગવાન! તું જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ચૈતન્યરાજા છો. રાગનો પણ તું રાજા નહિ તો રમકડાના રાજાની વાત કયાં રહી? જુઓ, આચાર્યદેવ સ્વતત્ત્વ અને પરતત્ત્વની ભિન્નતા બતાવી ભેદજ્ઞાન કરાવે છે. રાગના ભાવને પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં જાણનાર ભેદજ્ઞાની જીવ રાગનો ર્ક્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા જ છે. વિકલ્પ છે તે રાગ છે અને હું જ્ઞાયક છું એમ ભેદજ્ઞાનની કરવતથી બન્નેને જ્ઞાનીએ ભિન્ન પાડી દીધા છે. તે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ અને રાગના નિમિત્તે બંધાતું કર્મ નિમિત્તમાત્ર છે.
અજ્ઞાની રાગનો સ્વામી થાય છે. તેનો તે રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. લોકો માને છે કે વ્યવહારથી ધર્મ થાય. તેને કહે છે કે-પ્રભુ! તું સાંભળ તો ખરો. વ્યવહાર તો જ્ઞાનમાં પરજ્ઞેયપણે જણાય છે. તેનાથી ધર્મ કેમ થાય? મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયના પરિણામ જ્ઞાનીના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં પરજ્ઞેયપણે નિમિત્તમાત્ર છે. એનાથી નિશ્ચય ધર્મ કેમ પ્રગટે? ન પ્રગટે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પોતાના જ્ઞાનસ્વરૂપનું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ. તે સમયે જ્ઞાનીને રાગ ભલે આવ્યો; તે રાગ અને જે નવું કર્મબંધન થયું તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. તે રાગ અને કર્મની પર્યાય જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે.
વેદનીયકર્મની જડ પ્રકૃતિનો કર્તા જડકર્મ છે. શાતાવેદનીય કર્મ બંધાય તે પરમાણુની તત્કાલિન યોગ્યતા અને ઉત્પત્તિ કાળ છે. શુભરાગ થયો માટે શાતાવેદનીય કર્મ બંધાયું છે એમ નથી. તે કાળે જ્ઞાની રાગ અને કર્મથી પોતાને ભિન્ન જાણે છે. જ્ઞાનીને જે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેમાં શુભરાગ અને શાતાવેદનીય કર્મ નિમિત્ત કહેવામાં આવે છે.
પરને દુઃખ દેવાનો જે ભાવ થયો તે ભાવના નિમિત્તે અશાતાવેદનીય કર્મ બંધાય છે. તે ભાવ આસ્રવ છે. આસ્રવ અને આત્માને એક માને તે અજ્ઞાનીના પરિણામ અશાતાવેદનીયના બંધમાં નિમિત્ત છે.
પ્રથમ સ્વર્ગ-સૌધર્મસ્વર્ગમાં ૩૨ લાખ વિમાન છે. તેનો ઇન્દ્ર અને ઇન્દ્રાણી શચી બન્ને સમકિતી છે. તેઓ એક ભવ કરીને મોક્ષ જવાનાં છે. તે જાણે છે કે આ ૩૨ લાખ વિમાન છે તે પરદ્રવ્ય છે. દેવના વૈભવ પ્રતિ લક્ષ જતાં રાગ થાય તે આસ્રવ છે. પરંતુ તે જ્ઞાની છે; તો જે રાગ આવ્યો તેને જાણે જ છે. પોતાને જે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે તે જ્ઞાનમાં રાગ અને પરદ્રવ્ય પરજ્ઞેયપણે માત્ર જણાય છે. તો રાગ અને પરદ્રવ્ય જ્ઞાનમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. અહા! ઉપાદાન અને નિમિત્તનું સ્વરૂપ તો જુઓ! બન્ને તદ્ન સ્વતંત્ર છે.
અગ્નિથી પાણી ઊનું થયું અને કુંભારે ઘડો કર્યો એમ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેઓ રાગ અને પરદ્રવ્યને પોતાનાથી એકપણે માને છે.