Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1186 of 4199

 

સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨પ

પ્રશ્નઃ– તો શું ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે કે નહિ?

ઉત્તરઃ– ભાઈ! ગરમ પાણીમાં ચોખા પાકે છે તે ગરમ પાણીથી પાકે છે એમ નથી. તે

ચોખા પોતાથી પાકે છે. ચોખાની પાકેલી અવસ્થા પોતાથી થઈ છે, પાણીથી થઈ છે એ વાત ત્રણકાળમાં નથી. પાણી ભિન્ન છે, ચોખા ભિન્ન છે. પરદ્રવ્યની પર્યાય બીજું પરદ્રવ્ય કરી શકે જ નહિ આવો સિદ્ધાંત છે.

જ્ઞાનીને રાગ આવે છે તે કાળે ભેદજ્ઞાન કરવું પડતું નથી. ભેદજ્ઞાન સહજ જ હોય છે. રાગ અને અજીવની ક્રિયા થાય તે કાળે સહજપણે ભેદજ્ઞાન હોય છે. રાગનું અને કર્મબંધનું જ્ઞાન પોતાથી સહજ થાય છે, કર્મ અને રાગ છે તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી.

મોહનીય કર્મની એક જડ પ્રકૃતિ છે. ચારિત્રમોહનીયની પર્યાયની અહીં વાત છે. જ્ઞાનીને દર્શનમોહનીયની પર્યાય હોતી નથી. નવું ચારિત્રમોહનીય કર્મ બંધાય તેમાં રાગ દ્વેષ નિમિત્ત છે. અજ્ઞાનીના રાગ-દ્વેષ નવા કર્મબંધનમાં નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીને તો જે રાગ થાય અને જે ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનું તે સમયે સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પોતાથી થાય છે. તેને તે રાગ અને કર્મબંધનની પર્યાય જ્ઞાનમાં નિમિત્ત થાય છે.

ભાઈ! તત્ત્વોની સ્થિતિ સ્વતંત્ર છે. રાગ કર્યો માટે કર્મને બંધાવું પડયું એમ નથી. કર્મ બંધાય એ તો અજીવ તત્ત્વ છે. અજીવની પર્યાય અજીવથી થાય છે. અને પરદ્રવ્ય પ્રત્યે સાવધાનીનો જે રાગ છે તે આસ્રવ છે, દોષ છે. તે દોષનો કર્તા થાય તે અજ્ઞાની છે. તેનો રાગ ચારિત્રમોહનીય કર્મ બંધાય તેનો નિમિત્તકર્તા છે. જ્ઞાની તો તે દોષ અને ચારિત્રમોહનીય બંધનની પર્યાયના જ્ઞાતા જ છે. તેના જ્ઞાનમાં તે દોષ અને જડકર્મની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે. આવી ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા છે.

નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ આ પાંચ વિષયમાં વર્તમાનમાં ખૂબ વાંધા ઉઠયા છે. ‘ક્રમબદ્ધ માનીએ તો પુરુષાર્થ ઉડી જાય’ એમ કેટલાક માને છે પણ એમને વસ્તુના સ્વરૂપની ખબર નથી. અરે ભાઈ! ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવામાં તો અનંત પુરુષાર્થ રહેલો છે. સંપ્રદાયમાં કેટલાક એવું માને છે કે-‘‘કેવળી ભગવાને જે દીઠું છે તેમ થશે; એમાં આપણે શું કરી શકીએ?’’ તેને પૂછીએ છીએ કે-ભગવાને જે દીઠું છે તેમ થશે એ તો બરાબર છે પણ કેવળી ભગવાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે એવી જ્ઞાનની પર્યાયની જગતમાં સત્તા છે એનો સ્વીકાર તને થયો છે? પોતાના જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઝુકયા સિવાય ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણનાર કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર થઈ શક્તો નથી. આવો સ્વીકાર કરવા જાય ત્યાં પાંચેય સમવાય સિદ્ધ થઈ જાય છે, અને તેમાં પુરુષાર્થ પણ આવી જાય છે.

આત્મામાં અનંત ગુણો છે. તેમાં જ્ઞાનગુણની એક સમયની એક પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણો અને તેની ત્રણકાળની પર્યાયોને તથા લોકાલોકની દ્રવ્ય-ગુણસહિત