૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ત્રણકાળની પર્યાયોને જાણે તેવું અચિંત્ય સામર્થ્ય છે. આવી પર્યાયની સત્તાનો સ્વીકાર અંતરંગમાં સર્વજ્ઞસ્વભાવ જે પડયો છે તેનું લક્ષ કર્યા વિના થઈ શકતો નથી અને આવી પર્યાયની સત્તાના સ્વીકાર વિના ભગવાને જે દીઠું તેમ થશે એમ કેવી રીતે યથાર્થ કહી શકાય? પ્રવચનસાર ગાથામાં પણ એમ કહ્યું છે કે-જે અરિહંત ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ક્ષય પામે છે.
અરિહંત પરમાત્માની કેવળજ્ઞાનની પર્યાયનું અદ્ભુત અચિંત્ય સામર્થ્ય છે તે એક સમયની પર્યાયમાં ત્રિકાળવર્તી અનંતા સિદ્ધો સહિત આખા લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે. ભગવાનને સર્વજ્ઞસ્વભાવમાં જે સામર્થ્ય છે તે પર્યાયમાં પ્રગટ થયું છે. અરે ભાઈ! જે એક સમયની પર્યાયની આવી તાકાત છે એવી અનંત અનંત પર્યાયનો પિંડ એક જ્ઞાનગુણ છે. અને આવો જ્ઞાનગુણ જે દ્રવ્યમાં છે એ ભગવાન સર્વજ્ઞસ્વભાવી આત્માની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ત્યારે સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થતાં સર્વજ્ઞની પ્રતીતિ થાય છે અને એનું જ નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ કોઈ બીજી ચીજ નથી.
અહીં કહે છે-જ્ઞાનીને રાગ અને કર્મથી ભિન્ન પોતાના આત્માનું જ્ઞાન છે. તે જ્ઞાનમાં રતિ-અરતિ આદિ પરિણામ અને ચારિત્રમોહનીયકર્મની પર્યાય નિમિત્ત છે. જ્ઞાની તેને જાણે છે, કરતા નથી. આત્મામાં ચારિત્રગુણ છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેમાં લીનતા- રમણતા કરવી તે ચારિત્ર છે. આવા ચારિત્રવંત જ્ઞાની જે રતિના પરિણામ થાય તેને જાણે જ છે, તેના કર્તા નથી. જ્ઞાનમાં તે રતિના પરિણામ નિમિત્તમાત્ર છે. અહાહા...! આચાર્યદેવે ગજબ વાત કરી છે! ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતાની કેવી બલિહારી છે! બનારસીવિલાસમાં આવે છે કે-
પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, તેમાં નિમિત્તનો કાંઈ દાવ નથી. (મતલબ કે નિમિત્ત કાંઈ કરતું નથી).
આયુષ્ય નામનું જડ કર્મ છે. તે પરમાણુની પર્યાય છે. આયુષ્યનો બંધ થવામાં જે ભાવ નિમિત્ત થાય તે ભાવનો કર્તા થનાર અજ્ઞાની છે. તેનો તે ભાવ આયુકર્મના બંધની પર્યાયમાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
જ્ઞાનીને આયુકર્મ અને જે ભાવથી આયુકર્મ બંધાય તે ભાવ-એ બન્નેથી હું ભિન્ન છું એવું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનમાં આયુકર્મ અને તેે ભાવ નિમિત્ત કહેવાય છે.
સમકિતીને દેવ અને મનુષ્ય-એ બે ગતિના આયુનો બંધ પડે છે, તિર્યંચ અને નરકગતિના આયુષ્યનો બંધ પડતો નથી. મનુષ્ય સમકિતીને દેવનું આયુષ્ય બંધાય છે અને દેવમાં હોય તેને મનુષ્યનું આયુષ્ય બંધાય છે. આ આયુષ્યકર્મ પરમાણુની પર્યાય છે. તે સમયે જે વિકારનો પરિણામ થાય તે પરિણામનો જ્ઞાની જ્ઞાતા જ છે. તે સમયે