૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભાઈ! આ તો ભગવાનનાં લોજીક અને કાયદા છે. આ સમજ્યા વિના ધર્મ નહિ થાય. કેવળજ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે અને પોતાના સ્વદ્રવ્યને જાણે છે. પરંતુ તે પર્યાય સ્વદ્રવ્યમાં પ્રવેશ કરીને સ્વને જાણતી નથી તથા તે પર્યાય લોકાલોકને સ્પર્શ કરીને લોકાલોકને જાણતી નથી. આવી જ્ઞાનની એક પર્યાયની તાકાત છે. તેવી રીતે શ્રદ્ધા, ચારિત્ર ઇત્યાદિ અનંતગુણની પર્યાયની તાકાત છે. જ્ઞાનની ભવિષ્યની અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં શક્તિરૂપે પડી છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ભાઈ! આ સમકિતની પર્યાયમાં સ્વની અને પરની, સમસ્ત લોકાલોકની યથાર્થ પ્રતીતિ સમાઈ જાય છે. અહો! આ ૧૦૧ મી ગાથામાં જ્ઞાનાનંદનો દરિયો ઉછાળ્યો છે! અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા નિજ સ્વજ્ઞેયનું જ્ઞાન કરી પ્રતીતિ કરે તે પ્રતીતિનો મહિમા અપરંપાર છે. આવી પ્રતીતિ થયા વિના જેટલાં પણ વ્રત, તપ આદિ કરે તે એકડા વિનાનાં મીડાં જેવાં છે.
અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી એ પ્રથમ કરવા યોગ્ય છે. સમકિત વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત-તપને બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં મિથ્યા વ્રત-તપ કહ્યાં છે. પ્રભુ! સાંભળતો ખરો નાથ! તારા ઘરની ચીજ શું છે તેની તને ખબર નથી. ભજનમાં શ્રી દોલતરામે કહ્યું છે કે-
પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે....હમ તો.’
નિજાનંદસ્વરૂપ નિજઘરને છોડીને ભગવાન! તેં રાગ, નિમિત્ત અને પુણ્યના ઘરમાં પ્રવેશ કર્યો છે. ત્યાંથી નિજઘરમાં આવવું તે ભવનો અંત કરવાનો નિર્ગ્રંથનો માર્ગ છે. રાગની ગ્રંથિથી ભિન્ન પડીને પૂર્ણાનંદના નાથનો અનુભવ કરવો, તેની પ્રતીતિ-શ્રદ્ધા કરવી એનું નામ નિર્ગ્રંથદશા છે. છઠ્ઠા ગુણસ્થાને જે નિર્ગ્રંથદશા છે એ તો કોઈ અલૌકિક દશા છે, બાપુ!
જેમ રૂનાં ધોકડાં હોય છે તેમાં રૂ બધે ઠાંસીઠાંસીને ભર્યું છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનું ધોકડું, આનંદનું ધોકડું-જ્ઞાનાનંદસ્વરૂપ ગાંસડી છે. રાગથી ભિન્ન પડીને જેણે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું વેદન કર્યું તે સમકિતી ધર્મી છે. આવા ધર્મી જીવને હજુ અપૂર્ણતા છે તો રાગ આવ્યા વિના રહેતો નથી. દયા, દાનનો શુભરાગ આવે છે અને કદીક અશુભરાગ પણ આવે છે. જે જાતના રાગાદિ અને વાસનાના પરિણામ થાય તે પ્રકારે આત્મા સ્વના અને રાગાદિના જ્ઞાનપણે સ્વતઃ પરિણમે છે. ધર્મીને જ્ઞાતાદ્રષ્ટાના પરિણમનમાં જે રાગાદિનું જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાથી થાય છે. તે જ્ઞાનમાં રાગાદિ