૧પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠયો એમ હવે કહે છેઃ-
‘જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણે કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે...’
માટીમય ઘડારૂપી જે કાર્ય છે તે માટીરૂપી દ્રવ્યમાં એટલે માટીરૂપી પદાર્થમાં અને માટીના ગુણમાં એટલે માટીની પર્યાયમાં નિજરસથી જ વર્તે છે. માટીમાં જે ઘડારૂપી કાર્ય થયું તે માટીની નિજશક્તિથી થયું છે; કુંભારથી-નિમિત્તથી તે કાર્ય થયું નથી. જુઓ, નિમિત્તથી કાર્ય થાય એવી વાત ખૂબ ચાલે છે પણ એનો અહીં નિષેધ કર્યો છે. નિમિત્તથી પરનું કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ કર્યું છે. ભાઈ! આ રોટલીરૂપી જે કાર્ય થાય છે તે આટાથી થાય છે, બાઈથી નહિ અને તાવડી, વેલણ કે પાટલીથી પણ નહિ.
ભાઈ! શુદ્ધ અંતઃતત્ત્વના શ્રદ્ધાન વિના બાહ્યક્રિયાકાંડ કરીને ધર્મ થવો માને પણ એ (માન્યતા) તો મિથ્યાત્વ છે. પર જીવની દયા પાળવામાં ધર્મ માને તે મિથ્યાત્વ છે કેમકે પરજીવની દયા આ જીવ પાળી શક્તો નથી.
પ્રશ્નઃ– દયા ધર્મનું મૂળ છે એમ કહેવાય છે ને?
ઉત્તરઃ– હા, પણ એનો અર્થ એ છે કે રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે અને તે સ્વદયા ધર્મનું મૂળ છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં (શ્લોક ૪૪માં) હિંસા-અહિંસાના સ્વરૂપનું કથન આવે છે ત્યાં આ સ્પષ્ટ કર્યું છે. પરની દયા પાળવી એ તો નામમાત્ર કથન છે. પરની દયા કોણ પાળી શકે? બીજા જીવનું જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી તે જીવે છે. તેને બીજો જીવાડી શક્તો નથી; તેમ બીજો તેને મારી પણ શક્તો નથી. બહારની જે ક્રિયાઓ થાય તેનો આત્મા કર્તા નથી એ મૂળ સિદ્ધાંત છે.
ભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે ઘડારૂપી કાર્ય થયું તેમાં માટી પોતે વર્તી રહી છે, તેમાં કુંભાર વર્તતો નથી. હાથની હલનચલનની ક્રિયા થાય તે હાથના પરમાણુથી થાય છે; તે ક્રિયા આત્માથી થતી નથી. આત્મા તો પોતાના ગુણ અને પર્યાયમાં વર્તી રહ્યો છે. પરની પર્યાય થાય તેમાં આત્મા વર્તતો નથી. અરે! આંખની પાંપણ હાલે તેમાં પાંપણના પરમાણુ નિજરસથી વર્તે છે, આત્મા નહિ. પાંપણ હલાવવાની ક્રિયાનો પરમાણુ કર્તા છે, આત્મા નહિ. બાપુ! તત્ત્વની સાચી દ્રષ્ટિ થયા વિના યા ભેદજ્ઞાન થયા વિના ધર્મ ન થાય.