સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧પ૧
અહીં જીવ અને અજીવની ભિન્નતાની વાત ચાલે છે. અજીવની કોઈ પણ ક્રિયાનો અંશ જીવ કરી શકે એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સાચી નથી. તેવી રીતે જીવની અવસ્થા -શુભાશુભ ભાવ કે શુદ્ધભાવ-જડ કર્મથી થાય એવું પણ ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ! જીવાદિ સાતેય તત્ત્વ ભિન્ન ભિન્ન છે. અજ્ઞાની દયા, દાન, વ્રત આદિ આસ્રવપરિણામને આત્મા સાથે એક કરીને રાગનો કર્તા થાય છે અને પરનાં કાર્ય હું કરી શકું છું એમ વિપરીત માને છે. અરે! લોકોને આ જીવ-અજીવના અને આસ્રવ અને આત્માના ભેદની સૂક્ષ્મ વાતની ખબર નથી એટલે તેમને બેસવી કઠણ પડે છે.
અહીં કહે છે કે માટીરૂપી દ્રવ્યમાં માટીરૂપ ગુણ (ઘટ પરિણામ) નિજ રસથી વર્તી રહ્યો છે. ગુણનો અર્થ અહીં પર્યાય થાય છે. તેમાં કુંભાર પોતાના દ્રવ્યને કે પર્યાયને નાખતો કે ભેળવતો નથી. કુંભાર ઘડો કરવાનો જે રાગ કરે છે તે રાગ ઘડારૂપ પર્યાયમાં પેસતો નથી. તો તે રાગ ઘડારૂપ પર્યાયને કેમ કરે? અજ્ઞાની જીવ રાગ કરે, પણ પરનું કાર્ય કદીય ન કરે-ન કરી શકે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય તેમાં નિમિત્તરૂપ જે રાગાદિ ભાવ છે તેનો અજ્ઞાની કર્તા છે પણ જે કર્મનું બંધન થાય તેનો તે કર્તા નથી. કર્મબંધન થાય એ તો જડની પર્યાય છે. જડની પર્યાયને આત્મા ત્રણ કાળમાં કરી શકે નહિ. અહીં આ વાત સિદ્ધ કરવા ઘડાનું દ્રષ્ટાંત આપ્યું છે.
રાગ અને આત્માનો જે ભેદ જાણે છે તેવો સમકિતી ધર્મી જીવ રાગનો પણ કર્તા થતો નથી. જુઓ! પહેલાંના સમયમાં મીરાંબાઈનું વૈરાગ્યમય નાટક બતાવતા. તેમાં વાત એમ આવતી કે ચિત્તોડના રાણા સાથે મીરાંબાઈનાં લગ્ન થયેલાં. પણ સાધુનો સંગ કરતાં મીરાંબાઈને ખૂબ વૈરાગ્ય થઈ ગયેલો. રાણાએ મીરાંબાઈને કહેવડાવ્યું કે-‘‘મીરાં ઘરે આવો સંગ છોડી સાધુનો, તને પટ્ટરાણી બનાવું.’’ પરંતુ મીરાંને તો ઈશ્વરની ભારે લય લાગેલી. તે લયની ધૂનમાં રાણાને કહેવા લાગી-
ઇશ્વરના પ્રેમમાં ઘેલી મીરાંએ કહી દીધું કે મેં તો મારા નાથની (ઇશ્વરની) સાથે લગ્ન કરી દીધાં છે એટલે હવે મને બીજો પતિ ન હોય. તેમ સમકિતી ધર્મી જીવની પરિણતિ અંદર રાગથી ભિન્ન પડીને શુદ્ધ ચૈતન્ય સાથે જોડાઈ ગઈ છે. તેથી તે કહે છે કે મારી નિર્મળ ચૈતન્યપરિણતિનો હું સ્વામી છું, રાગનો સ્વામી હું નહિ અને રાગ મારો સ્વામી નહિ. શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. તેનો સંગ હું ન કરું કેમકે તેનો સંગ કરવો વ્યભિચાર છે. અહાહા...! હું તો નિત્યાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકબિંબ પ્રભુ છું. તેને પુણ્ય-પાપના સંગમાં જોડવો તે વ્યભિચાર છે. આમ ચૈતન્યઘનસ્વરૂપ નિજ ચિદાનંદ ભગવાનની જેને લગની લાગી તે ધર્મી જીવ