૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નિર્મળ જ્ઞાન અને આનંદની પરિણતિનો કર્તા છે, પણ રાગનો કર્તા નથી. જ્યાં રાગનો કર્તા નથી ત્યાં તે પરનો કર્તા હોવાની તો વાત જ કયાં રહી?
અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યની પર્યાયનો અજ્ઞાની પણ કર્તા નથી. ઘડારૂપ કાર્ય થાય એમાં કુંભાર પોતાના દ્રવ્યને, ગુણને અને પર્યાયને તે ઘડાની પર્યાયમાં મૂક્તો કે ભેળવતો નથી કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે કુંભારનું આત્મદ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી, તેમજ કુંભારની રાગની પર્યાય પણ પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. તો કુંભાર ઘડાને કેવી રીતે કરે? ઝીણી વાત છે ભગવાન! તારી જ્ઞાયક વસ્તુ તદ્ન ભિન્ન છે પ્રભુ! આત્મા જ્ઞાયક તો જગતના જ્ઞેયોનો જ્ઞાતા છે, કર્તા નથી. રાગનો પણ તે ખરેખર તો જ્ઞાતા છે, કર્તા નથી. આત્માને રાગનો અને પરદ્રવ્યની પર્યાયનો કર્તા બનાવવો એ મોટી મિથ્યાત્વરૂપી વિટંબણા છે.
૧. કુંભારનું દ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી. ૨. કુંભારની જે રાગની પર્યાય છે તે પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. ૩. માટે કુંભાર માટીની પર્યાય બદલીને ઘડાની પર્યાય કરે એ વાત ત્રણકાળ ત્રણલોક
આટામાંથી જે રોટલી બનવાની ક્રિયા થાય તે જડની પર્યાય આટાના પરમાણુઓથી થાય છે. રસોઈ કરનારી બાઈ તેમાં પોતાની પર્યાયને નાખતી કે ભેળવતી નથી. માટે બાઈ તે રોટલીની પર્યાયની કર્તા નથી. બાપુ! આ વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે! જડ અને ચેતનનો-બન્નેનો સદાય પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય જડથી થાય એમાં બીજો પોતાનું દ્રવ્ય કે પોતાની પર્યાયને નાખતો નથી, મૂકતો નથી, ભેળવતો નથી. માટે જડની ક્રિયાને આત્મા કદીય કરતો નથી એમ સિદ્ધ થાય છે. ભાઈ! હું ખાઉં છું, હું બોલું છું, હું શરીરને હલાવી-ચલાવી શકું છું ઇત્યાદિ અનેક પ્રકારે પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એમ માનવું એ મિથ્યાશ્રદ્ધાન છે અને એનું ફળ ચાર ગતિની રખડપટ્ટી છે.
પોતાના ગુણ-પર્યાયને પરમાં નાખ્યા-ભેળવ્યા સિવાય પરનું કાર્ય કેમ કરી શકાય? પોતાના ગુણ-પર્યાયને પરમાં તો નાખી શકાતા નથી, કેમકે વસ્તુસ્થિતિથી જ તેનો નિષેધ છે. માટે પરનાં કાર્ય કોઈ કરી શકતું નથી એ સિદ્ધાંત છે. લોકો બહારની ક્રિયાનું કર્તાપણું માનીને મિથ્યાત્વનું સેવન કરે છે. પણ જેને સત્ય માનવું હોય તેણે આ માનવું પડશે. બાકી અસત્ય તો અનાદિથી માનેલું જ છે અને તેથી તો સંસારાવસ્થા છે. ભાઈ! સર્વજ્ઞદેવે કહેલાં નવ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન જેને કરવું હોય તેણે આ વાત માનવી જ પડશે. નિમિત્તથી કાર્ય થાય એ વાતની ભગવાન લાખવાર ના પાડે છે. આ સત્યનો ઢંઢેરો છે.