સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧પ૩
આ પુસ્તકનું પાનું ફરે છે તે અવસ્થા પાનાના રજકણોથી થઈ છે; તેનો કર્તા આંગળી નથી અને આત્મા પણ નથી. જગતની પ્રત્યેક ચીજ પોતે પોતાથી કાર્યરૂપે પરિણમે છે; તેને બીજો પરિણમાવી શકતો નથી. ખૂબ ગંભીર વાત છે!
જગતમાં અનંત જીવ છે અને અનંત અજીવ જડ પદાર્થો છે. તે બધા અનંતપણે કયારે રહી શકે? અનંત દ્રવ્યો-પ્રત્યેક પોતાના દ્રવ્યથી અને પોતાની પર્યાયથી પોતાના પરિણામ કરે છે એવું યથાર્થ માને તો અનંત દ્રવ્યો સિદ્ધ થશે. પરથી પરિણમન થાય એમ માનતાં બધાં એકમેક થઈ જવાથી અનંત ભિન્ન દ્રવ્યો રહી શકશે નહિ. માટે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન પરનિરપેક્ષ છે એ મુદની રકમની વાત છે.
જેમ પાંચ લાખ રૂપિયા ટકાના વ્યાજથી કોઈને ધીર્યા હોય તે વ્યાજ ભરીને પાંચ લાખ ભરવાની ના કહે તો તે મૂળ રકમની ના પાડે છે. તે અનર્થ છે. તેમ પરદ્રવ્યની પર્યાયને આત્મા કરી શક્તો નથી એ મુદની મૂળ રકમની વાત છે. એ મૂળ રકમની ના પાડે તેને ધર્મ કેમ થાય? ભલેને બાહ્ય ક્રિયાકાંડ લાખ કરે તોપણ તેને ધર્મ નહિ થાય. ભાઈ! આ ભગવાનનાં મંદિર બન્યાં છે ને તે ક્રિયા આત્માએ કરી છે એમ નથી.
પ્રશ્નઃ– કારીગરે તો કરી છે કે નહિ?
ઉત્તરઃ– ના; બીલકુલ નહિ, કારણ કે કારીગર પોતાના દ્રવ્યને કે પર્યાયને મંદિરની પર્યાયમાં નાખતો કે ભેળવતો નથી. માટે મંદિર નિર્માણની ક્રિયાનો કર્તા કારીગર નથી. બાપુ! જડ તત્ત્વ અને ચેતન તત્ત્વની સદાકાળ ભિન્નતા છે. અજીવની પર્યાયનો અંશ જો જીવ કરે તો જીવ જડ થઈ જાય. પણ એમ બનતું જ નથી. તેમ છતાં અજીવની પર્યાયને જીવ કરે છે એમ માને તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે અને તેનું ફળ સંસાર-પરિભ્રમણ છે.
ખજૂરમાંથી અંદરના કઠણ ઠળિયા જુદા પાડવાની જે ક્રિયા થાય તે ક્રિયા આંગળીથી થાય છે એમ નથી. વળી આત્માથી પણ તે ક્રિયા થઈ શકતી નથી. જેમ કુંભાર ઘડો બનાવી શકે નહિ તેમ આત્મા ખજૂરમાંથી ઠળિયા જુદા પાડી શકે નહિ. આ સાંભળીને કેટલાક પોકારી ઉઠે છે કે ‘એકાન્ત છે, એકાન્ત છે.’ ભલે કહો, પરંતુ આ સમ્યક્ એકાન્ત છે. મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તેનું વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે-
‘‘સંસારી જીવ અનાદિકાળથી કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. ત્યાં એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલપરમાણુમય શરીર એ બંનેના એકપિંડબંધાનરૂપ એ પર્યાય હોય છે. તેમાં આ જીવને ‘આ હું છું’ એવી અહંબુદ્ધિ થાય છે... વળી જીવને અને શરીરને નિમિત્ત-