૧પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નૈમિત્તિક સંબંધ છે તેનાથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે.’’ હું બોલી શકું છું, હું ખાઈ શકું છું, હું હાથ હલાવી શકું છું, આંખથી દેખી શકું છું, જીભથી ચાખી શકું છું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાનું કર્તાપણું માને તે બધું મિથ્યાદ્રષ્ટિનું કર્તવ્ય (મંતવ્ય) છે. અરે! આવા સાતિશય પ્રજ્ઞાના ધારક અતિ વિચક્ષણ પંડિત શ્રી ટોડરમલજીનો દ્વેષથી પ્રેરાઈને ષડ્યંત્ર દ્વારા ક્રોધિત કરવામાં આવેલા રાજા દ્વારા અલ્પ વયમાં જ દેહાંત થયો હતો! પંડિતજીએ મિથ્યાદર્શનનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ કર્યું છે.
‘રાજતે શોભતે ઇતિ રાજા.’ જે પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું અનુસરણ કરી જ્ઞાન અને આનંદની પર્યાયને ઉત્પન્ન કરે અને તે વડે શોભાયમાન રહે તે રાજા-જીવરાજા છે. બાકી રાગની પર્યાય અને પરદ્રવ્યની પર્યાયને પોતાની માને એ તો રાંકો-ભિખારી છે. દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગથી મારું કલ્યાણ થઈ જશે એમ માનનાર બહારથી મહારાજ ભલે કહેવાતો હોય તોપણ તે રાંકો-ભિખારી છે. ભાઈ! તારી ચીજ અંદર સર્વપ્રદેશે જ્ઞાન અને આનંદથી ભરેલી છે. તેમાં દ્રષ્ટિ દીધા વિના તે રાગથી પ્રગટ કેમ થાય? પ્રભુ! રાગથી પ્રગટ થાય એવી તારી ચીજ નથી.
ભગવાન કુંદકુંદાચાર્યદેવે સમયસારના બંધ અધિકારમાં કહ્યું છે કે-બીજાને હું જીવાડી શકું, બીજાને મારી શકું, બીજાને સુખી-દુઃખી કરી શકું, બીજાને બંધ કરી શકું અને બીજાને મોક્ષ કરી શકું-એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, મૂઢ છે. ત્યાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ૧૭૩માં કળશ દ્વારા કહ્યું છે કે-‘‘સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય (અધ્યવસાન) જિન ભગવાનોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.’ તો પછી, આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં (આત્મસ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી.’’
જુઓ, એક સમ્યક્ નિશ્ચયને જ અંગીકાર કરવાનું કહ્યું છે, કેમકે તે જ એક મોક્ષમાર્ગ છે. વ્યવહાર ક્રિયાકાંડના અનેક વિકલ્પ કાંઈ મોક્ષમાર્ગ નથી; એ તો બંધનાં કારણ છે, હેય છે, ત્યાગવા યોગ્ય છે. ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામની દ્રષ્ટિથી હઠીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે તો સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થશે; અન્યથા નહિ થાય. કળશમાં એ જ કહ્યું છે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને નિજ મહિમામાં સ્થિતિ કેમ ધરતા નથી? લોકોને આવી સત્ય વાત સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ નવી વાત નથી. આ તો કેવળીઓએ કહેલી વાત પુરાણી છે. શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા. તેમણે પ૦ વર્ષ પહેલાં આ વાત કરી છે પણ પોતે ગૃહસ્થાશ્રમી હતા એટલે વાત વિશેષ બહાર આવવા ન પામી.