સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧પપ
અહાહા...! એકેક ગાથામાં જડ અને ચેતનને તથા રાગ અને જ્ઞાનને ભિન્ન પાડીને વર્ણન કર્યું છે. ભગવાન! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો તું પરનાં કામ કરે-કરી શકે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. મોક્ષમાર્ગપ્રકાશકમાં અતિ સ્પષ્ટ કહ્યું છે કે-‘‘પોતાનો સ્વભાવ દર્શન- જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇંદ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે-હાથ વગેરે સ્પર્શ વડે મેં સ્પર્શ્યું, જીભ વડે મેં ચાખ્યું, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું’’ ઇત્યાદિ આ પ્રમાણે માનનાર અજ્ઞાની મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. જડનાં કાર્ય આત્મા કરતો નથી અને તે કાળે જે રાગ થાય તેનો અજ્ઞાની કર્તા થાય છે. માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અજ્ઞાની કહે છે કુંભાર વિના ઘડો ન થાય. જ્ઞાની કહે છે માટી વિના ઘડો ન થાય. ઘડાનો કર્તા માટી છે, કુંભાર નહિ. દુનિયાની તદ્ન નિરાળો માર્ગ છે.
અહીં કહે છે-‘દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી.’ જુઓ, કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પરદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી. વા પરદ્રવ્યરૂપ થઈ જતું નથી. અને દ્રવ્યાંતરરૂપ થયા વિના અન્ય દ્રવ્યને પરિણમાવવું અશકય છે. માટીરૂપ થયા વિના માટીને ઘડાપણે પરિણમાવવી અશકય છે. માટે ઘડારૂપ કર્મમાં નહિ પ્રવેશતો એવો કુંભાર ઘડાનો કર્તા પ્રતિભાસતો નથી એમ આચાર્યદેવ કહે છે. આ દ્રષ્ટાંત છે.
લોકો શુદ્ધ તત્ત્વની વાત ભૂલીને ક્રિયાકાંડના માર્ગે ચઢી ગયા છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પર ચઢી ગયા છે. પરંતુ ભાઈ! દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયા, મહિના-મહિનાના ઉપવાસની ક્રિયા-એ તો બધી રાગની ક્રિયા છે. એનાથી સમ્યગ્દર્શન અને ધર્મ થતો નથી. અને એમાં બહારની શરીરાદિની ક્રિયા તો આત્મા કરી શક્તો નથી. તથાપિ હું પરદ્રવ્યની ક્રિયા કરું છું એમ જો માને તો એ મિથ્યાત્વ છે, મૂઢતા છે. અનંત કેવળીઓએ અને સંતોએ આમ કહ્યું છે.
હવે સિદ્ધાંત કહે છે-‘તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલ-દ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજરસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂક્તો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે......’
પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલમય પોતાના ગુણમાં