સમયસાર ગાથા-૧૦પ ] [ ૧પ૯ પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
ભગવાન આત્મા સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. કર્મબંધનને નિમિત્તરૂપ એવો જે વિકાર-રાગદ્વેષ અને પુણ્ય-પાપના ભાવ-તેનાથી ભિન્ન શુદ્ધ ચિદ્રૂપ એકરૂપ વસ્તુ આત્મા છે. તેથી આત્મા નવા કર્મબંધનનું નિમિત્ત નથી. જુઓ, શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મામાં તો રાગાદિ વિકાર નથી, પણ શુદ્ધ ચૈતન્ય-સન્મુખ થઈને જે દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિમાં પણ રાગનો નિષેધ છે. તેથી શુદ્ધ જ્ઞાયક-સ્વભાવી ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવો નિર્મળ દ્રષ્ટિવંત જ્ઞાની પણ કર્મબંધનમાં નિમિત્ત નથી. અહો! પરમ અલૌકિક વાત છે! પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ આવે છે, પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ ઉપર સ્થિર થઈ હોવાથી તે શુભભાવનો કર્તા થતો નથી અને તેથી તે નવા કર્મબંધનનું નિમિત્ત નથી. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શુદ્ધ વસ્તુ છે. તે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી ભિન્ન છે. અહાહા...! શુદ્ધ વસ્તુમાં અને શુદ્ધ વસ્તુની દ્રષ્ટિમાં- બન્નેમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નથી. તેથી જેમ શુદ્ધ વસ્તુ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ શુદ્ધ વસ્તુનો દ્રષ્ટિવંત જ્ઞાની ધર્મી જીવ પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. જે રાગપરિણામ નવા કર્મબંધનને નિમિત્તરૂપ થાય તે રાગ-પરિણામ જ્ઞાનીને નથી કેમકે જ્ઞાની એનાથી ભિન્ન પડી ગયો છે. જે રાગપરિણામ થાય તેને જ્ઞાની માત્ર જાણે જ છે, કરતો નથી અને તેથી જ્ઞાની નવા કર્મબંધનનું નિમિત્ત નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!
વ્યવહાર કરતાં કરતાં સમકિત પામીશું એમ કેટલાક માને છે પણ એ માન્યતા તદ્ન મિથ્યાશ્રદ્ધાનરૂપ છે કેમકે શુદ્ધનિશ્ચયની દ્રષ્ટિમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ સમાતો નથી, ભિન્ન રહી જાય છે. આ અંતરની વાત છે ભાઈ! આમાં જરાય આઘુપાછું કે ઢીલું માને તેને સાચું શ્રદ્ધાન નહિ થાય. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી. નિયમસાર (ગાથા ૨ ની ટીકા)માં શુદ્ધરત્નત્રયાત્મક મોક્ષનો માર્ગ પરમ નિરપેક્ષ છે એમ કહ્યું છે. ધર્મીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની ભાવના હોય છે; તેને પુણ્યરૂપી વ્યવહારધર્મની વાંછા હોતી નથી. જ્યાં સુધી પૂર્ણ વીતરાગભાવ ન પ્રગટે ત્યાં સુધી વ્યવહારના ભાવ આવે ખરા પણ તેની જ્ઞાનીને ભાવના હોતી નથી.
આનંદકંદ નિજસ્વરૂપમાં ઝૂલનારા મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાનમાં ભગવાનની ભક્તિ, વંદના, સ્મરણ તથા પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ તે બંધનું કારણ છે એમ તેઓ જાણે છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિને ધરનારા તે મુનિવરોની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ