Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1221 of 4199

 

૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ઉપર સ્થિર ચોંટી છે. પણ પૂર્ણદશા ન પ્રગટે ત્યાંસુધી અસ્થાનના રાગથી બચવા તેમને શુભરાગ આવે છે પણ તે શુભભાવ બંધનું કારણ છે એમ તે જાણે છે. જો કોઈ તેને બંધનું કારણ ન માનતાં મોક્ષનું કારણ માને તો તે મિથ્યાશ્રદ્ધાન છે, અજ્ઞાન છે.

અહીં ઘણી ગંભીર વાત કરી છે. મૂળ સૂત્રમાં તો એમ લીધું છે કે જીવ નવા બંધમાં નિમિત્તભૂત થાય છે. પરંતુ ટીકામાં આચાર્યદેવે એમ કહ્યું કે-આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિકકર્મને નિમિત્તભૂત નથી. આત્માનો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા છે. સ્વભાવથી આત્મા નવાં કર્મ બંધાય એમાં નિમિત્તભૂત નથી. સ્વભાવથી આત્મા નિમિત્તભૂત હોય તો ત્રણે કાળ તેને વિકાર કરવો પડે. કર્મબંધનમાં નિમિત્તપણે સદાય જીવને હાજર રહેવું પડે. તેને નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં મુક્તિ થાય જ નહિ.

દયા, દાન આદિના શુભભાવ આવે તેને જ્ઞાની બંધનું કારણ જાણે છે, તેને તેઓ ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી. અહીં એ વાત પણ લીધી નથી. અહીં તો એમ કહે છે કે જ્ઞાનીને નવો બંધ થતો જ નથી, કેમકે જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર રહેલી છે અને તેથી તેને સ્વભાવની પરિણતિ ઉત્પન્ન થાય છે. જે રાગના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય નથી. તેથી જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત પણ નથી. અહો! ખૂબ ગંભીર વ્યાખ્યા કરી છે.

અરે ભાઈ! આ મનુષ્યજીવન એમ ને એમ ચાલ્યું જાય છે. ભગવાન કહે છે કે આ ત્રસમાં રહેવાની સ્થિતિ બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિયની અવસ્થામાં રહેવાનો કાળ બે હજાર સાગર છે. તેમાં જો આત્માનું જ્ઞાન અને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યાં તો આ ત્રસની સ્થિતિ પૂરી કરીને નિગોદમાં ચાલ્યો જઈશ. અરે ભગવાન! તને આવો અવસર મળ્‌યો અને વિકારથી રહિત, વ્યવહારથી રહિત, બંધ અને બંધના નિમિત્તપણાથી રહિત એવા શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું ભાન પ્રગટ ન કર્યું તો ચાર ગતિનું ભ્રમણ કરતાં કરતાં નિગોદમાં-દુઃખના સમુદ્રમાં ચાલ્યો જઈશ.

નવાં કર્મ જે બંધાય તે દશા તો જડકર્મથી થાય છે અને તેમાં ઉપાદાનપણે કર્મના પરમાણુ વર્તે છે. તેમાં નિમિત્ત કોણ છે? તો જે વિકારીભાવ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે, પણ ચૈતન્યરત્નાકર જ્ઞાતાદ્રષ્ટા અને આનંદના સ્વભાવથી ભરેલો ચિદાનંદઘન પ્રભુ આત્મા વિકારથી શૂન્ય છે. તેથી જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્યમહાસાગર છે. તેમાં દયા, દાન આદિ વિકારના વિકલ્પ નથી તો તે નવા કર્મબંધનમાં નિમિત્તભૂત કેમ થાય? આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત છે જ નહિ.

જ્ઞાન-આનંદથી પૂર્ણ અને રાગથી ખાલી એવી ચીજ શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છે. આવા આત્માનું જેને ભાન થયું છે તે સમકિતી જ્ઞાની છે. સમકિતીને દયા,