સમયસાર ગાથા-૧૦પ ] [ ૧૬૧ દાન, વ્રત અને વ્યવહારરત્નત્રયના વિકલ્પ આવે છે પણ તે એ વિકલ્પને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જાણે છે. સમકિતીને જે સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિમાં રાગાદિ વિકારનો અભાવ છે અને તેથી જેમ સ્વભાવ નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી તેમ સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્તભૂત નથી. સમકિતીને બંધ થતો નથી. (જે અલ્પ બંધ થાય તે અહીં ગણતરીમાં નથી.) માટે તે બંધમાં નિમિત્ત કેમ થાય? બંધમાં નિમિત્ત તો વિકારી ભાવ છે અને તે વિકારી ભાવ આત્મસ્વભાવ અને આત્મસ્વભાવની દ્રષ્ટિમાં છે જ નહિ. અહો! અદ્ભુત વાત છે!
નવ ગ્રૈવેયકના નવ દેવલોક છે. તે એકેક દેવલોકમાં અનંતવાર જઈ આવ્યો એવા ભાવ જીવે કર્યા છે. શુકલલેશ્યાના પરિણામ કરીને જીવ નવ ગ્રૈવેયક જાય છે. અત્યારે તો એવા શુભભાવ પણ નથી. જુઓ, શુકલલેશ્યા અને શુકલધ્યાન બે ભિન્ન ચીજ છે. શુકલધ્યાન તો ભાવલિંગી મુનિરાજને આઠમા ગુણસ્થાનથી હોય છે અને શુકલલેશ્યાના પરિણામ તો કોઈ અભવિ જીવને પણ થાય છે. શુકલલેશ્યાના પરિણામ કરીને જીવ નવમી ગ્રૈવેયક જાય છે પણ શુભભાવને તે પોતાના માને છે અને શુભભાવથી ધર્મ થાય એમ માને છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. શુભભાવ રાગ છે અને આત્માનો સ્વભાવ વીતરાગ છે. રાગ અને સ્વભાવને એક માનનાર ભલે નવમી ગ્રૈવેયક જાય પણ જે વડે જન્મમરણનો નાશ થાય એવી ક્રિયા એની પાસે નથી તેથી તે ચતુર્ગતિસંસારમાં રખડે જ છે.
ભગવાન આત્મા પરનો તો કર્તા નથી પણ પરનાં જે કાર્ય થાય તેમાં નિમિત્ત પણ નથી. દ્રવ્યસ્વભાવ જો પરના કાર્યમાં નિમિત્ત થાય તો જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને સદા હાજર રહેવું પડે. તેથી રાગથી ભિન્ન પડીને તેને કદીય સ્વભાવનું લક્ષ થાય નહિ. આ વાત ગાથા ૧૦૦માં આવી ગઈ છે. તેથી એ સિદ્ધ છે કે વાસ્તવમાં આત્મા સ્વભાવથી નવા કર્મબંધનમાં નિમિત્ત નથી.
હવે કહે છે કે સ્વભાવથી આત્મા નવા કર્મબંધનમાં નિમિત્ત ન હોવા છતાં અનાદિ અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે.
જુઓ, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તે જીવ દયા, દાનના પરિણામનો હું કર્તા છું એવું માને છે. તે અજ્ઞાન એને અનાદિનું છે. તે અજ્ઞાનના કારણે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે, વિકારરૂપે પરિણમતો હોવાથી પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. આ નવાં કર્મબંધન જે થાય તેમાં અજ્ઞાનીના પુણ્ય-પાપના વિકારી ભાવ નિમિત્ત થાય છે. જડકર્મની પ્રકૃત્તિ બંધાય તે તો કર્મના કારણે બંધાય છે. તેમાં અજ્ઞાનીના રાગાદિ ભાવ નિમિત્ત છે.