૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ભાઈ! સમયસારમાં ઘણી ગંભીરતા ભરી છે. આ તો જગતચક્ષુ છે. ભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિમાંથી આવેલું આ શાસ્ત્ર છે. સંવત ૧૯૭૮ની સાલમાં જ્યારે સમયસાર હાથમાં આવ્યું ત્યારે તે વાંચીને એમ થયું હતું કે-‘‘આ શાસ્ત્ર તો અશરીરી થવાની ચીજ છે’’ આનો સ્વાધ્યાય ખૂબ ધીરજ રાખીને રોજ કરવો જોઈએ.
ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને ઇચ્છા વિના દિવ્યધ્વનિ નીકળે છે. મહાવિદેહમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. ત્યાં કુંદકુંદાચાર્યદેવ વાણી સાંભળવા પધારેલા. સાંભળવાનો વિકલ્પ હતો પણ વિકલ્પનું લક્ષ ન હતું; અંદર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનું લક્ષ હતું. વાણી સાંભળવાનો અને ધર્મોપદેશનો જ્ઞાનીને વિકલ્પ આવે છે પણ તે વિકલ્પના જ્ઞાની કર્તા થતા નથી, જ્ઞાતા જ રહે છે. અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે, શુભરાગ જ્ઞેય છે અને જ્ઞાની તેના જ્ઞાતા જ છે, કર્તા નથી. તેથી જેમ આત્મા સ્વભાવથી કર્મબંધનમાં નિમિત્ત નથી તેમ જ્ઞાની પણ નવા કર્મબંધનમાં નિમિત્ત નથી.
અહાહા...! ભગવાન આત્મા નિરંજન નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તેમાં શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ તો નથી; એમાં શુભાશુભભાવરૂપ વિકાર પણ નથી. તેથી આત્મા સ્વભાવથી કર્મબંધનનું નિમિત્ત નથી. અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના સ્વસંવેદનપૂર્વક જેને સ્વાનુભવ થયો છે તે સમકિતીને નવા કર્મબંધનમાં નિમિત્ત થાય એ રાગ થતો નથી. અલ્પ રાગ જે થાય છે તેને (દ્રષ્ટિના જોરમાં) અહીં ગણવામાં આવ્યો નથી. પરંતુ અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી તે અજ્ઞાનીનો રાગભાવ નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવે છે.
નવાં કર્મનો બંધ થાય તે આત્મા કરતો નથી. કર્મબંધન થાય એ તો પુદ્ગલની પર્યાય છે અને અજ્ઞાનીના અજ્ઞાનરૂપ પરિણામ તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. આત્મ-દ્રવ્ય તેમાં નિમિત્ત નથી અને દ્રવ્યદ્રષ્ટિવંત જ્ઞાની પણ તેમાં નિમિત્ત નથી. અખંડાનંદ-સ્વરૂપ ભગવાન આત્માનું આકર્ષણ થવાથી જ્ઞાનીને બહારની સર્વ ચીજનું આકર્ષણ છૂટી ગયું છે. ચૈતન્યચમત્કારને જોયા પછી ધર્મીને બહાર કયાંય ચમત્કાર ભાસતો નથી. સ્વર્ગના ઇન્દ્રનો અપાર વૈભવ હો, ધર્મી જીવને તેના તરફ લક્ષ નથી; ધર્મીને એ તુચ્છ ભાસે છે. વિષયની વાસનાનો જે રાગ થાય તે ધર્મીને ઝેર સમાન ભાસે છે. અહાહા...! હું તો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ પરમાત્મસ્વરૂપ છું એવું જેને પર્યાયમાં ભાન થયું તે જ્ઞાની નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી એમ અહીં કહે છે.
અહો! શું દૈવી ટીકા છે! જાણે અમૃતનાં ઝરણાં ઝરે છે! અન્યત્ર તો આવી ટીકા નથી પણ દિગંબરમાંય આવી ગંભીર ટીકા બીજા શાસ્ત્રમાં નથી.
૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આ શરીર મૃતક કલેવર છે. અમૃતસાગર પ્રભુ