Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1224 of 4199

 

સમયસાર ગાથા-૧૦પ ] [ ૧૬૩ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. ‘‘પોતાનો કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’’ ત્રણલોકનો નાથ અમૃતનો સાગર અંદર છલોછલ ભરેલો છે. તેને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છિત થયો છે એવો અજ્ઞાની જીવ પોતાના શુભાશુભ ભાવોનો કર્તા પ્રતિભાસે છે. શરીર છે એ તો હાડ-માસ-ચામડાથી બનેલું મૃતક કલેવર છે. જીવ નીકળ્‌યા પછી મૃતક એમ નહિ; હમણાં જ તે મૃતક કલેવર છે. આત્મા આ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. તેથી શરીર હું છું, શરીરની ક્રિયા હું કરું છું એવું માને છે. તે અજ્ઞાની જીવ અજ્ઞાનના કારણે વિકારનો કર્તા થાય છે. આ અજ્ઞાનીનો વિકાર (પુણ્યપાપના ભાવ) નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે.

કેટલાક કહે છે કે સમન્વય કરો તો બધું એક થઈ જાય. અરે ભાઈ! આ શુદ્ધ તત્ત્વની સત્ય વાતનો જગતના બીજા કોઈ પંથ સાથે સમન્વય થઈ શકે એમ નથી. જેમ નેતરની છાલનો સૂતરના દોરા સાથે સમન્વય ન થાય તેમ જ્ઞાન અને અજ્ઞાનનો કદીય સમન્વય ન થાય, બેનો કદીય મેળ ન ખાય. પ્રભુ! માન કે ન માન; સત્ય આ છે. સત્ય માન્યા વિના તારો છૂટકારો નહિ થાય. ભાઈ! આ તારા હિતનો માર્ગ છે; અને રાગથી લાભ થાય એમ માનવું એ અહિતનો માર્ગ છે, અજ્ઞાન છે અને તેમાં તને મોટું નુકશાન છે.

શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે દયા, દાન, હિંસા વગેરે શુભ-અશુભ ભાવની જે રચના કરે છે તે નપુંસક છે. ૪૭ શક્તિમાં એક વીર્યશક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે પોતાની વીતરાગ નિર્મળ પરિણતિની રચના કરે તે વીર્યશક્તિ છે. શુભાશુભ રાગની રચના કરે તે વીર્યશક્તિ નથી. શુભાશુભ રાગની રચના કરે એ તો નપુંસક છે. જેમ નપુંસકને પુત્રની પ્રાપ્તિ થતી નથી તેમ શુભરાગની પરિણતિથી નિર્મળ પરિણતિ પ્રગટ થતી નથી. પુણ્યની રુચિવાળા જીવો નપુંસક-હીજડા જેવા છે કેમકે તેઓ વીતરાગ-ભાવરૂપ ધર્મ પ્રગટ કરી શક્તા નથી. સમયસાર ગાથા ૩૯-૪૩ ની ટીકામાં તેમને નપુંસક કહ્યા છે અને પુણ્ય-પાપ અધિકારની ગાથા ૧પ૪ માં નામર્દ્ર કહ્યા છે. સંસ્કૃતમાં જે ‘કલીબ’ શબ્દ છે એનો અર્થ નપુંસક થાય છે.

પોતાના આનંદના નાથને ભૂલીને જે પુણ્ય-પરિણામમાં રોકાઈ જાય અને રાગની રચના કરે એવા અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે. જ્ઞાની તો શુદ્ધ પરિણતિની રચના કરે છે. રાગ આવે છે તેને ગૌણ કરીને જ્ઞાની નિર્મળ પરિણતિને રચે છે. તેથી નવાં કર્મ જ્ઞાનીને બંધાતાં નથી. માટે નવા કર્મબંધનમાં જ્ઞાની નિમિત્ત નથી.

અજ્ઞાની અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી તેનો તે ભાવ નિમિત્તભૂત થતાં પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીના પુણ્ય-પાપના ભાવ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે.