૧૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તેથી ‘પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું’ એવો નિર્વિકલ્પ વિજ્ઞાનસ્વભાવથી ભ્રષ્ટ, વિકલ્પ-પરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
આત્મા રાગરહિત નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. આવા નિજસ્વભાવથી અજ્ઞાની ભ્રષ્ટ છે. અજ્ઞાની વિકલ્પપરાયણ એટલે વિકલ્પમાં તત્પર છે, સ્વભાવમાં તત્પર નથી. વિકલ્પમાં તત્પર એવો અજ્ઞાની જે શુભાશુભ વિકલ્પ કરે છે તે વિકલ્પ નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. તેથી અજ્ઞાની માને છે કે હું કર્મબંધનનો ઉપચારથી-વ્યવહારથી કર્તા છું. આવો ઉપચાર અજ્ઞાનીને લાગુ પડે છે. સ્વભાવને ભૂલીને રાગમાં તત્પર એવો અજ્ઞાની જે વિકલ્પ કરે છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી આત્માથી કર્મ બંધાણું એમ ઉપચારથી કહેવામાં આવે છે; તે પરમાર્થ નથી.
પરની, જડની અવસ્થા તો પરથી એનાથી થાય છે. તેને કોણ કરે? શુભભાવ આવે પણ પરની ક્રિયા તે શુભભાવથી થાય છે એમ નથી. આ રથયાત્રામાં ભગવાન બિરાજમાન કરે અને રથને ચલાવે ઇત્યાદિ પરની ક્રિયા આત્મા કરતો નથી. ભાઈ! આ વીતરાગનો માર્ગ તદ્ન જુદો છે. તેનું સ્વરૂપ સમજે તેને ભવ રહે નહિ એવો આ માર્ગ છે. એક બે ભવ રહે એ તો જ્ઞાતાનું જ્ઞેય છે. અહીં કહે છે કે અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધનમાં નિમિત્ત છે તેથી કર્મ આત્માએ બાંધ્યું એવો અજ્ઞાનીઓનો જે વિકલ્પ છે તે ઉપચાર જ છે; પરમાર્થ નથી.
‘કદાચિત્ થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.’ કદાચિત્ એટલે અજ્ઞાનપણે અજ્ઞાની જીવ વિકારનો કર્તા છે તેથી બંધનમાં તેના વિકારને નિમિત્ત કહેવામાં આવે છે. તે નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે, અજ્ઞાની રાગનો કર્તા છે. તે રાગ પરની ક્રિયામાં નિમિત્ત છે. ત્યાં અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે ઉપચાર છે. પરમાર્થે આત્મા પરનો કર્તા છે જ નહિ.