૧૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે ‘‘રાજાએ યુદ્ધ કર્યું’’ એવો ઉપચાર છે, પરમાર્થ નથી;...’
એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શક્તું નથી એ વાત સિદ્ધ કરે છે. માટીમય ઘડારૂપી કાર્ય માટી કરે છે, કુંભાર તેને કરતો નથી. તેમ આત્મા રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ કરે ત્યારે જે કર્મ બંધાય તે જીવના ભાવથી બંધાતા નથી. જડકર્મની અવસ્થા જડ પરમાણુ દ્રવ્યથી થઈ છે અને તેમાં જીવના વિકારી ભાવ નિમિત્ત કહેવામાં આવે છે.
પ્લાસ્ટીકના કારખાનામાં જે માલ તૈયાર થાય તે ક્રિયા પરમાણુઓથી થાય છે. એકેક પરમાણુ પોતે પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે. તે ક્રિયાને અન્ય પરમાણુ કે આત્મા કરે એમ બનતું નથી. તે ક્રિયાના કાળમાં જીવ પોતાના વિકારી પરિણામને કરે છે, પણ જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષાદિ ભાવ કરે તેટલા પ્રમાણમાં નવું કર્મ બંધાય છે છતાં જે કર્મ બંધાય છે તે ક્રિયાનો આત્મા કર્તા નથી. પોતાના રાગદ્વેષાદિ વિકારી ભાવનો તે અજ્ઞાની જીવ કર્તા હો, પણ પરના કાર્યનો તે જીવ કર્તા નથી.
ધર્મી જીવ તો એમ જાણે છે કે-હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. અહાહા...! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-આવી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થવાથી જ્ઞાનીને પંચપરમેષ્ઠીની ભક્તિનો જે રાગ આવે છે તે રાગનો તે કર્તા થતો નથી. ભગવાનની ભક્તિનો રાગ તે અનર્થનું કારણ છે એમ તે જાણે છે. પંચાસ્તિકાય ગાથા ૧૬૮માં કહ્યું છે કે-‘‘આ, રાગલવ-મૂલક દોષ પરંપરાનું નિરૂપણ છે. (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે.) અહીં (આ લોકમાં) ખરેખર અર્હંતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતાં, આત્મા બુદ્ધિપ્રસાર વિનાનો (ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈપણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં (-ચિત્તનું ભ્રમણ હોતાં) શુભ વા અશુભ કર્મનો નિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ કલેશનો વિલાસ જ છે.’’
શુભરાગ કરતાં કરતાં મોક્ષ થાય, પરંપરા મોક્ષ થાય એ વાત છે જ નહિ. રાગ તો વિકાર છે, આસ્રવ છે, ઝેર છે. મુનિવરોને પંચમહાવ્રતનો શુભરાગ આવે છે પણ તે શુભરાગ અનર્થનું મૂળ છે એમ તેઓ જાણે છે. વળી ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૭૦માં કહ્યું છે કે-‘‘આ, રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવા યોગ્ય હોવાનું નિરૂપણ છે.’’ મતલબ કે રાગ રાખવા લાયક નથી પણ સંપૂર્ણપણે, જરાય બાકી ન રહે એવો નાશ કરવા યોગ્ય છે.
પરંપરા મોક્ષનો હેતુ કહ્યો છે ને?