સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૩ વિપાક છે. તે શુદ્ધ ચૈતન્યનું ફળ એટલે પરિણમન નથી. અહીં આત્મા જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે તેની દ્રષ્ટિ કરાવવી છે કેમકે આત્માને શુદ્ધ જાણે તે શુદ્ધને અનુભવે અને અશુદ્ધને જાણે તે અશુદ્ધને અનુભવે-પામે. અહાહા...! આત્મા દ્રવ્ય જે વસ્તુ છે એ તો સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક-પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય છે. તે દ્રવ્યકર્મને કેમ કરે? પર્યાયના જે ભેદ પડે તે પણ પુદ્ગલકર્મનો પાક છે.
મિથ્યાત્વ છે તે દર્શનમોહકર્મનો પાક છે, અવિરતિ છે તે ચારિત્રમોહકર્મનો પાક છે, મિથ્યાત્વથી માંડીને સયોગીકેવળી સુધીના તેર ગુણસ્થાનો કર્મનો વિપાક છે અને તેથી તેઓ અત્યંત અચેતન છે. સયોગી ગુણસ્થાન અચેતન છે. સયોગી છે ને? અહાહા...!! ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ પરમપારિણામિકસ્વભાવરૂપ વસ્તુ આત્મામાં કયાં છે એ? નથી. જે પુદ્ગલકર્મનો પાક છે એવાં અચેતન તેર ગુણસ્થાનો-તેર કર્તાઓ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? જીવ તો શુદ્ધ અકર્તા છે; નવું જે કર્મ બંધાય તે આ તેર કર્તાઓનું વ્યાપ્ય છે.
ખરેખર તો દરેક દ્રવ્ય પોતે વ્યાપક છે અને પોતાની પર્યાય તે વ્યાપ્ય છે. એ વાત અહીં નથી કહેવી. અહીં તો એમ કહેવું છે કે તેર ગુણસ્થાનો જે છે તે વ્યાપક છે અને નવાં કર્મ બંધાય તે વ્યાપ્ય છે. વિકારી ભાવ પ્રસરીને નવાં કર્મ જે વ્યાપ્ય તેને બાંધે છે-એમ અહીં સંબંધ લેવો છે.
વ્યાપ્યવ્યાપકભાવ ખરેખર એક જ દ્રવ્યમાં હોય છે. દ્રવ્ય કર્તા તે વ્યાપક અને તેનું કર્મ વા પર્યાય તે એનું વ્યાપ્ય છે. પણ અહીં જુદી શૈલીથી વાત કરી છે. આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેર ગુણસ્થાનો અચેતન છે. ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા એ તેર અચેતન ગુણસ્થાનને કેવી રીતે કરે? કદી ન કરે. અચેતન એવાં ગુણસ્થાનો શુદ્ધ આત્મદ્રવ્યમાં છે જ નહિ તો પછી આત્મા નવાં કર્મ બાંધે એ કયાં રહ્યું? અહો! ભેદજ્ઞાનની આ અલૌકિક વાત છે.
દ્રવ્ય જે છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે. નવું કર્મ જે બંધાય તે તેર ગુણસ્થાનના કારણે બંધાય છે. ગુણસ્થાન તે વ્યાપક અને પુદ્ગલકર્મ તે એનું વ્યાપ્ય છે. આત્મા તેમાં વ્યાપક નથી. આત્મા જે તેર અચેતન ગુણસ્થાનમાં આવતો નથી તે નવા કર્મબંધનમાં કેમ આવે? કર્મબંધનને તે કેવી રીતે કરે? અહાહા...! શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવાની જેને રુચિ જાગી છે તેને મિથ્યાત્વાદિ હોય તે અલ્પકાળમાં ટળી જાય એવી આ અપૂર્વ વાત છે. કહે છે-તેર ગુણસ્થાનો અચેતન છે, પુદ્ગલ છે. તે નવા કર્મને કરે તો કરે; તેમાં જીવને શું આવ્યું? ખૂબ ગંભીર વાત છે, ભાઈ! જીવ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. પર્યાયમાં ભલે મિથ્યાત્વાદિ હો, પણ શુદ્ધ ચૈતન્યમયસ્વરૂપનું લક્ષ કરતાં તે સર્વ છૂટી જશે, મટી જશે એમ વાત છે.