૧૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
જયસેન આચાર્યની ટીકામાં આવે છે કે હળદર અને ફટકડી બેના મળવાથી લાલ રંગ થાય, એકથી ન થાય. પુત્ર થાય તે માતા-પિતા બેથી થાય; પુત્ર એકનો ન થાય. તેમ જે વિકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની યોગ્યતાથી થાય છે તેમાં પુદ્ગલ ભેગું છે. એમ કહીને તે પુદ્ગલકર્મનું કાર્ય છે એમ બતાવવું છે. અહીં કહે છે કે આ તેર કર્તાઓ પુદ્ગલકર્મને કરે તો કરે; જીવને એમાં કાંઈ નથી. જીવ તો શુદ્ધ ચિદાનંદમય ભગવાન છે.
૬૮મી ગાથામાં આવી ગયું છે કે-જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. એ ન્યાયે, મિથ્યાત્વાદિ ગુણસ્થાનો મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. શુદ્ધ દ્રવ્યનું-ભગવાન સચ્ચિદાનંદ-સ્વરૂપનું જેને લક્ષ થયું છે તેને ભલે ગુણસ્થાનો થોડું પુદ્ગલકર્મ બાંધે, તે શુદ્ધના લક્ષે સ્વરૂપસ્થિરતાનો ઉગ્ર પુરુષાર્થ કરીને તેર ગુણસ્થાનથી રહિત થઈ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થયા વિના રહેશે નહિ.
આચાર્ય કહે છે કે-હે જ્ઞાનના ઇચ્છક પુરુષ! તું સાંભળ. એકલા દ્રવ્યસ્વભાવથી જોતાં તું ચૈતન્યમૂર્તિ જ્ઞાનનો પુંજ, આનંદરસનો કંદ, શુદ્ધ જ્ઞાયક પ્રભુ આત્મા છો. એમાં આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કયાં છે? નથી; કેમકે એ તો બધાં પુદ્ગલકર્મનો વિપાક છે, પુદ્ગલનાં ફળ છે; ચૈતન્યનું ફળ નથી. જુઓ, અશુદ્ધ નિશ્ચયથી જે જીવની પર્યાય છે તેને વ્યવહાર ગણીને અહીં પુદ્ગલકર્મનો વિપાક કહ્યો છે. આમ કહીને આચાર્યદેવ ગુણસ્થાન-પર્યાયનું લક્ષ છોડાવીને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરાવે છે. કહે છે-હે ભાઈ! તે તેર કર્તાઓ થોડો વખત કર્મબંધનના કર્તા થાઓ તો થાઓ, તું શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મદ્રવ્યનું લક્ષ કર અને તેમાં જ રમણ કર; તેથી તને સર્વ કર્મબંધન મટી જશે. અહો! આચાર્યદેવે અદ્ભુત વાત કરી છે!
પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં નિશ્ચયથી રાગ અને પુણ્ય-પાપના પરિણામનો કર્તા જીવ છે એમ કહ્યું છે. ત્યાં તો વિકારી ભાવ જીવની પર્યાયમાં છે એમ બતાવવું છે. રાગની પર્યાયમાં પોતાનું ઊંધું બળ છે એમ ત્યાં દર્શાવવાનું પ્રયોજન છે. અહીં સદા એકસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ નિજ પરમાત્માનું લક્ષ કરાવવું છે. ગુણસ્થાનથી ભિન્ન શુદ્ધ ચિદાનંદમય પરમપારિણામિકભાવરૂપ આત્મદ્રવ્યનું લક્ષ કરાવવું છે. તેથી કહે છે કે ગુણ-સ્થાન છે તે પુદ્ગલકર્મના વિપાકરૂપ અચેતન છે. તેને શુદ્ધ ચૈતન્યમય આત્મા કેમ કરે? ન કરે. અને તો પછી આત્મા પુદ્ગલકર્મને કેમ કરે? ન જ કરે.
શિષ્યને આશંકા થઈ કે પુદ્ગલકર્મનો કર્તા આત્મા નથી તો તેનો કર્તા કોણ છે? તેને કહે છે કે આ મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાનો કે જે પુદ્ગલકર્મનો વિપાક છે અને અચેતન છે તેઓ નવાં કર્મબંધનને કરે છે. વળી આચાર્યદેવ પ્રેરણા કરે છે કે તેઓ થોડો કાળ કર્મને કરે તો ભલે કરે; તેથી શુદ્ધ જીવને કાંઈ નથી. મતલબ કે તું શુદ્ધ