સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮પ જીવદ્રવ્યનું લક્ષ કર; તેથી તને વીતરાગપરિણતિ પ્રગટ થશે અને અલ્પકાળમાં સર્વ કર્મથી મુક્તિ થઈ જશે.
ભગવાન આત્મા પરિપૂર્ણ ચિદ્ઘનસ્વરૂપ વસ્તુ છે. તે વ્યાપક થઈને ગુણસ્થાનને કરે એમ છે નહિ. તો પછી નવાં કર્મ જે બંધાય તેને દ્રવ્યસ્વભાવ કરે એ વાત કયાં રહી? આ પરથી કોઈ એમ માને કે વિકાર થાય છે તે કર્મને લઈને થાય છે તો તે બરાબર નથી. વિકાર તો જીવમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી થાય છે. શુદ્ધ જીવદ્રવ્યમાં વિકાર નથી અને વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ એનામાં શક્તિ-ગુણ નથી. અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી જીવમાં વિકાર પોતાથી ઉત્પન્ન થાય છે અને ત્યારે પુદ્ગલકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. તેથી નિમિત્તની અપેક્ષાએ તેને પુદ્ગલનો વિપાક કહ્યો છે. અહીં દ્રવ્યસ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે. તેથી કહે છે-ભગવાન! તારો સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘનરૂપ છે અને આ તેર ગુણસ્થાનો અચેતનસ્વભાવ છે. આમ બેની ભિન્નતા સિદ્ધ કરી છે. વળી જડ કર્મબંધન થાય તેમાં જડ કારણ છે, ચૈતન્ય કારણ નથી. આ તેર ગુણસ્થાન જડ છે અને તેઓ જડ પુદ્ગલકર્મના કર્તા છે. ભાઈ! આ દ્રવ્યદ્રષ્ટિની વાત છે. એકકોર ચૈતન્યદળ અને એકકોર જડનું દળ એમ બે ભાગ પાડી દીધા છે. અહાહા...! એકકોર રામ (આત્મા) અને એકકોર આખું ગામ (જડ ભાવો) છે. અચેતન એવાં ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો; એમાં ચેતનને શું છે? આ પ્રમાણે પુદ્ગલકર્મને કોણ કરે છે તે આશંકાનું અહીં સમાધાન કરે છે.
ભાઈ! તું શુદ્ધ ચૈતન્યમય શાશ્વત મહાપ્રભુ છે અને આ તેર ગુણસ્થાન છે તે પ્રત્યયો, આસ્રવો છે; તે પુદ્ગલકર્મનો પરિપાક છે. એ આસ્રવો થોડો (કર્મનો) આસ્રવ કરો તો કરો; તેમાં તને (દ્રવ્યને) શું છે? તું તો શુદ્ધ ઉપાદાનસ્વરૂપ પ્રભુ છે. જે અશુદ્ધ ઉપાદાન છે તે નિમિત્તને (પુદ્ગલકર્મને) આધીન-વશ થઈને વર્તે છે તેથી તે જડ અચેતન છે. મિથ્યાત્વાદિ જે ચાર ભેદ અથવા તેર ભેદ છે એ બધા અચેતન છે. અને ચેતનનો અચેતનમાં અને અચેતનનો ચેતનમાં કદીય પ્રવેશ નથી. અરે! ચેતન, અચેતન દ્રવ્યો પરસ્પર અડતાંય નથી. અહીં એમ કહેવું છે કે-પ્રભુ! તું તારા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય શાશ્વત વસ્તુની પ્રતીતિ-વિશ્વાસ કર. તે (શુદ્ધ આત્મા) કદીય પુદ્ગલકર્મનો કર્તા નથી. હવે કહે છે-
‘અહીં આ તર્ક છે કે ‘‘પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે.’’ (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય?’