સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૯૩ પરમાત્મા છે. તે વિકાર કેમ કરે? કદી ન કરે તેથી પર્યાયમાં જે આ વિકાર થાય છે તે અચેતન પુદ્ગલદ્રવ્યમય છે. જેમ સૂર્યમાંથી પ્રકાશનાં અસંખ્ય કિરણ નીકળે પણ કોલસા જેવું કાળું અંધકારનું કિરણ ન નીકળે, તેમ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા જે ચૈતન્યસૂર્ય છે તેમાંથી ચૈતન્યપ્રકાશનાં કિરણ નીકળે પણ રાગાદિ અંધકારનું કિરણ ન નીકળે. તેથી પર્યાયમાં જે રાગાદિ ભાવ છે, ગુણસ્થાનરૂપ ભાવ છે તે ચૈતન્યના પ્રકાશરહિત હોવાથી અચેતન છે અને અચેતન છે માટે જડ પુદ્ગલદ્રવ્યમય છે. તથા આ ગુણસ્થાન આદિ ભાવો-આસ્રવો બંધના કર્તા હોવાથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મોનું કર્તા છે, જીવ કર્તા નથી.
ગુણસ્થાન આદિ પ્રત્યયો નવા પુદ્ગલકર્મબંધનના કર્તા છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા નથી. આમ છે છતાં એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે, મૂઢપણું છે, મિથ્યાત્વ છે.