૨૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ પ્રત્યયોથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય રાગનો અને પરનો પોતાને કર્તા માનવાથી મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન થાય છે.
‘મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.’
મિથ્યાત્વાદિ ચાર આસ્રવો જડસ્વભાવ છે. જે મિથ્યા માન્યતાઓ છે તે જડસ્વભાવ છે કેમકે તે ચૈતન્યસ્વભાવથી વિપરીત છે. મિથ્યાશ્રદ્ધાન આદિ ને અહીં જડ કહેલ છે. વળી પરમાણુ તો જડ છે જ. અને જીવ જાણગસ્વભાવની મૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વભાવ છે. અહીં કહે છે કે જડ અને ચૈતન્ય જો એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો પ્રસંગ આવે. પણ એમ તો કદીય બનતું નથી. માટે આત્મા અન્ય છે અને જડસ્વભાવી આસ્રવો, શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ ઇત્યાદિ સર્વ અન્ય છે. તેમ છતાં શુભાશુભ રાગ, શરીર, મન, વાણી, પૈસા, મકાન ઇત્યાદિ જે છે તે મારાં છે અને હું તેનો કર્તા છું એમ જે માને તે જડ થઈ જાય છે. જડ થઈ જાય છે એટલે તેની વિપરીત માન્યતાને કારણે તેને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. માટે નિશ્ચયનયનો આ જે સિદ્ધાંત છે કે આસ્રવ અને આત્મા એક નથી, અન્ય છે, તે યથાર્થ જાણી આત્મદ્રષ્ટિવંત થવું.