૨૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તેને આત્માની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ છે અર્થાત્ તે અંધ થઈ ગયો છે. તે રાગ અને પુણ્યને દેખે છે, પણ પોતાના શુદ્ધ ચૈતન્યસૂર્યને દેખતો નથી. પુણ્યના ફળમાં પાંચ-પચીસ ક્રોડની ધૂળ મળે એને અજ્ઞાની જીવ દેખે છે પણ પોતાના શુદ્ધ જ્ઞાયક તત્ત્વને દેખતો નથી. પુણ્ય-પાપના ભાવ મારા, એમ માનનારો તે એવો મોહાંધ બન્યો છે કે તે ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધ આત્મદ્રવ્યને દેખતો નથી. તેથી તેને રાગાદિમય-અજ્ઞાનમય ભાવ જ હોય છે. રાગાદિ ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં આત્માનાં જ્ઞાન અને આનંદ નથી. ચાહે ભગવાનની ભક્તિનો રાગ હો કે શાસ્ત્રના શ્રવણનો રાગ હો, રાગભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનું કિરણ નથી, જ્ઞાનનો અંશ નથી. અહો! આચાર્યદેવે અદ્ભુત અલૌકિક વાત કરી છે!
ભાઈ! ભાગ્યવાન હોય તેને આ વાત રુચે એમ છે. સંસારનો જેને અંત કરવો છે તેના માટે આ વાત છે. ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન છે. અજ્ઞાનીને ભિન્નનો ભાસ નથી, અનુભવ નથી. તેથી અંતરંગમાં આત્મા પ્રગટ પ્રસિદ્ધ હોવા છતાં, તેની પ્રસિદ્ધિનો તેને અભાવ થઈ ગયો છે. પરિણામે તેને રાગ જ પ્રસિદ્ધ છે. અજ્ઞાનીને પુણ્ય-પાપના ભાવ જ પ્રસિદ્ધ છે, માટે તેને અજ્ઞાનમય ભાવ જ હોય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહામુનિ ભાવલિંગી દિગંબર સંત સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની મસ્તીમાં ઝૂલી રહ્યા હતા. તેઓ કહે છે-જ્ઞાનીને જે રાગ આવે છે તેને, તે પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને, પર તરીકે જાણે છે; રાગ મારો છે એમ તે જાણતા નથી. પોતાની ચીજમાં અને પોતાની નિર્મળ પરિણતિમાં જ્ઞાની રાગને ભેળવતા નથી તેથી તેને જ્ઞાનમય જ ભાવ છે. પરંતુ અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ મારા છે એમ માને છે, તેથી ભેદજ્ઞાનના અભાવે તેને આત્મ-પ્રસિદ્ધિ થતી નથી, પરંતુ રાગાદિ ભાવની જ પ્રસિદ્ધિ રહે છે. માટે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જ હોય છે. અજ્ઞાનમય એટલે (એકલું) મિથ્યાત્વ એમ અર્થ નથી. રાગાદિ ભાવમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી તેથી પુણ્ય-પાપમય રાગાદિ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. હવે કહે છે-
અજ્ઞાનમય ભાવ હોવાથી, સ્વપરની એકતાના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતાના આત્મસ્વરૂપમાંથી અજ્ઞાની ભ્રષ્ટ થયેલો છે. પોતે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગ અજ્ઞાન અને આકુળતારૂપ દુઃખસ્વરૂપ છે; આ બંનેની એકતાનો અજ્ઞાનીને અધ્યાસ છે. બેની એકતાની તેને ટેવ પડી ગઈ છે. અનાદિથી સ્વપરની એકતાની વાત તેણે સાંભળી છે, તેનો જ એને પરિચય છે અને તેનો જ એને અનુભવ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો છે. જુઓ, આ કોઈના ઘરની વાત નથી, કે સોનગઢની આ વાત નથી. આ તો ભગવાનની કહેલી વાત ભગવાન કુંદકુંદાચાર્યદેવે અને અમૃતચંદ્રાચાર્યદેવે જગત પાસે જાહેર કરી છે.
ભગવાન આત્મા જાણન-દેખનસ્વભાવરૂપ જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ છે. અહાહા...! આત્મા