૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ છે, ધર્મ નથી. તથાપિ એ શુભરાગથી લાભ (ધર્મ) થાય અને શુભરાગ મારું કર્તવ્ય છે એમ માનીને શુભરાગમાં તન્મય થઈને જો તે પ્રવર્તે તો તેના તે સઘળા ભાવ અજ્ઞાનમય છે. ગજબ વાત છે, પ્રભુ! માથું ફરી જાય એવી વાત છે પણ આ સત્ય વાત છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી નીપજેલા અજ્ઞાનીના સઘળા ભાવો અજ્ઞાનમય જ છે.
ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પરમાત્મસ્વરૂપ છે. તેની જેને દ્રષ્ટિ થઈ નથી તે અજ્ઞાનીને ક્ષણેક્ષણે રાગની એકતાબુદ્ધિવાળા ભાવ ઉત્પન્ન થાય છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી અજ્ઞાનીને બધા રાગમય-અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. અજ્ઞાની ચાહે તો શાસ્ત્રના સ્વાધ્યાયમાં હો, ભગવાનની ભક્તિ-પૂજામાં હો કે મહાવ્રતાદિના પાલનમાં હો; તેના સઘળા ભાવો રાગની એકતાબુદ્ધિ-પૂર્વક હોવાથી અજ્ઞાનમયપણાને નહિ ઓળંગતા થકા અજ્ઞાનમય જ હોય છે.
હવે કહે છે-‘અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.’
હું તો રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું-એમ પોતાના શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું એવા જ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે બધાય જ્ઞાનમય જ હોય છે. જ્ઞાનીને કમજોરીના કારણે કદાચિત્ વિષયકષાયના ભાવ પણ આવી જાય તો તે સમયે પણ તેને જ્ઞાનમય ભાવ જ છે, રાગમય નહિ; કેમકે જે સમયે રાગ થાય તે સમયે તે તેનો સાક્ષીભાવે જ્ઞાતા છે પણ કર્તા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! રાગથી પોતાને ભિન્ન જાણ્યો તેને ક્ષણેક્ષણે જે કોઈ ભાવ થાય તે બધા જ્ઞાનમય છે.
જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે તે ભાવની પણ જ્ઞાનીને ભાવના નથી, હોંશ નથી. આવો શુભભાવ જ્ઞાનીને આવે ખરો પણ તે પોતાનું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને જે શુભાશુભ ભાવ આવે તેને પોતે નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે. કોઈવાર જ્ઞાની બહારથી લડાઈના (રૌદ્ર) ભાવમાં પણ ઊભેલા જણાય પણ ખરેખર તે લડાઈના ભાવમાં સ્થિત નથી પણ અંતરમાં તે નિજ સ્વભાવમાં સ્થિત છે. લડાઈનો જે ભાવ આવે તેના તે સમયે તે જ્ઞાતા જ છે, કર્તા નથી; કેમકે તેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચોંટેલી છે. પોતાને અને પરને-રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનના જ્ઞાની કર્તા છે, રાગના નહિ અને તેથી જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનીના ભાવ બધાય જ્ઞાનમય જ છે, વીતરાગતામય જ છે.
કોઈવાર જ્ઞાનીને આર્ત્ત-રૌદ્રધ્યાન પણ થતું હોય છે. પણ તેના તે જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. તે તે સમયે તે સંબંધીનું જ્ઞાની જ્ઞાન કરે છે અને સ્વભાવના લક્ષે તેનો નાશ કરી સ્વભાવભાવમાં વૃદ્ધિ કરે છે, તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે.