Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1304 of 4199

 

સમયસાર ગાથા-૧૨૮-૧૨૯ ] [ ૨૪૩

* ગાથા ૧૨૮–૧૨૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું હોય છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.’

અજ્ઞાનીને શુભ-અશુભ ભાવમાં એકત્વબુદ્ધિ પડી છે, તેથી તેના વ્રત, તપના ભાવ પણ અજ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનીને રાગથી ભિન્ન નિર્મળાનંદસ્વરૂપ પોતાના ચૈતન્ય-ભગવાનનું ભાન થયું છે. તેને જે રાગાદિ ભાવ થાય તેને તે માત્ર જાણે જ છે. જ્ઞાની તે રાગ સંબંધી જ્ઞાનના કર્તા છે, પણ રાગના કર્તા નથી. તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. પરંતુ અજ્ઞાની વ્રત, તપનો જે ભાવ કરે છે તે ભાવનો તે કર્તા થાય છે, તેથી અજ્ઞાનમય જાતિને નહિ ઓળંગતા તેના ભાવ બધાય અજ્ઞાનમય છે.

કહ્યું છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની રાગ ઉપર દ્રષ્ટિ છે તો તેને રાગમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ધર્મી જીવને રાગથી ભિન્ન પોતાના ચૈતન્ય-સ્વભાવની દ્રષ્ટિ છે તો તેને જ્ઞાનમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.

અજ્ઞાનીને વ્રત, તપ, સંયમ, ઉપવાસ, બ્રહ્મચર્ય આદિના જે કોઈ ભાવ થાય છે તે રાગમય છે કેમકે તેને એમાં એકત્વબુદ્ધિ છે. તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં બહુ મોટો (આભ-જમીનનો) ફરક છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૬૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘ज्ञानिनः’ જ્ઞાનીના ‘सर्वे भावाः’ સર્વ ભાવો ‘ज्ञाननिर्वृत्ताः हि’ જ્ઞાનથી નીપજેલા

(રચાયેલા) ‘भवन्ति’ હોય છે.

જુઓ, ધર્મી એને કહીએ કે જેને વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન અને અનુભવ થયાં છે. અહાહા...! હું રાગથી ભિન્ન શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છું એવું જેને નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા છે. જાણવું, દેખવું, ઠરવું, શાંતિરૂપ થવું એ જ્ઞાનીના પરિણામ છે. દયા, દાન, વ્રત આદિના રાગ કે પુણ્ય-પાપના શુભાશુભ વિકલ્પ જ્ઞાનીને (કર્તવ્યપણે) હોતા નથી; અને જે વિકારી ભાવ થાય છે તેનો જ્ઞાની જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીને વિકારનું સ્વામિત્વ નથી, તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે.