૨૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
કોઈવાર અસ્થિરતાની નબળાઈને લીધે હિંસાદિરૂપ અલ્પ રાગ-દ્વેષના પરિણામ થઈ જાય તોપણ જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, કેમકે દ્રષ્ટિ નિજ સ્વભાવ ઉપર છે. અહાહા...! દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી જ્ઞાનીનો પ્રત્યેક પરિણામ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, ધર્મમય જ હોય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી નીપજેલા જ્ઞાનમય જ હોય છે.
‘तु’ અને ‘अज्ञानिनः’ અજ્ઞાનીના ‘सर्वे अपि ते’ સર્વ ભાવો ‘अज्ञाननिर्वृत्ताः’ અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) ‘भवन्ति’ હોય છે.
અહાહા...! અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માનું ભાન નથી અને જેણે રાગ સાથે એકત્વ માન્યું છે તેના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા-રચાયેલા છે. અજ્ઞાનીને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ છે તે અજ્ઞાનથી રચાયેલા અજ્ઞાનમય છે. અજ્ઞાની જીવ હજારો રાણીઓને છોડી નગ્ન દિગંબર મુનિદશા ધારે, જંગલમાં રહે, મહાવ્રતાદિનું પાલન કરે તોપણ રાગ સાથે એકત્વપણે પરિણમતો હોવાથી તેના તે ભાવ અજ્ઞાનમય છે એમ કહે છે. પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન, અને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-એ બધો રાગભાવ છે અને તે રાગભાવનો અજ્ઞાની કર્તા થાય છે તેથી તેના એ બધા ભાવ અજ્ઞાનમય છે. કોઈ બાળ-બ્રહ્મચારી હોય અને મહિના-મહિનાના ઉપવાસ કરે અને તે બ્રહ્મચર્ય અને ઉપવાસના વિકલ્પથી લાભ (ધર્મ) થાય એમ માને તો એના તે ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા હોય છે અને તે અજ્ઞાનમય છે. આ સિદ્ધાંત કહ્યો, હવે દ્રષ્ટાંત કહેશે.