गच्छति] સન્મુખ થઈ જાણે છે [तं] તેને [लोकप्रदीपकराः] લોકને પ્રગટ જાણનારા [ऋषयः] ઋષીશ્વરો [श्रुतकेवलिनम्] શ્રુતકેવળી [भणन्ति] કહે છે; [यः] જે જીવ [सर्वं] સર્વ [श्रुतज्ञानं] શ્રુતજ્ઞાનને [जानाति] જાણે છે [तम्] તેને [जिनाः] જિનદેવો [श्रुतकेवलिनं] શ્રુતકેવળી [आहुः] કહે છે, [यस्मात्] કારણ કે [ज्ञानम् सर्वं] જ્ઞાન બધું [आत्मा] આત્મા જ છે [तस्मात्] તેથી [श्रुतकेवली] (તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકાઃ– પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ-ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાનસિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણેછે તે શ્રુતકેવળી છે’ એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી ‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થઃ– જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.
હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલે કે અખંડ અભેદ જે આત્મા તેમાં નામમાત્રથી ભેદ પાડીને કહેવું કે-આ શ્રદ્ધે તે આત્મા, દેખે તે આત્મા, જાણે તે આત્મા, એકાગ્ર થાય તે આત્મા-તેમાં વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વસ્તુ અભેદ છે, તેમાં ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે; એવો વ્યવહાર નિશ્ચયને બતાવે છે તે કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ-