પ્રવચન નંબર ૨૩–૨૪, તારીખ ૨૩–૧૨–૭પ થી ૨૪–૧૨–૭પ
જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાનવડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. જુઓ, કહે છે-અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને જાણનાર ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે.
ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણીમાં જે આવ્યું તે સંતોએ અનુભવીને કહ્યું છે. ભાઈ! એકવાર તું સાંભળ. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તથી અપેક્ષા નથી એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે, જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે.
અહાહા...! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે-અનુભવે તે સમ્યગ્દ્રષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદની રકમની વાત છે. અરે! જિનેશ્વરદેવનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે. પરંતુ ભગવાનની વાણી અનુસાર બાર અંગની રચના થઈ. તે અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં જ્ઞાનપ્રવાદ નામનું એક શાસ્ત્ર છે. તેનો આ એક ભાગ છે. તેમાં કહે છે કે અંદર આખું જ્ઞાયકનું દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજસ્વરૂપને જાણે-અનુભવે છે તે ભાવશ્રુતકેવળી છે.
ભાઈ! આ તો અધ્યાત્મની વાત છે, ધર્મકથા છે. તેને ફરીફરીને કહેવાથી પુનરુક્તિદોષ ન જાણવો. કેમકે વારંવાર કહેવામાં આવે ત્યારે વાસ્તવિક તત્ત્વ જ્ઞાનમાં આવે એવી વાત છે.
હવે બીજી રીતે કહે છે કે-જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે. જે જીવ જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞેયોને જાણે છે, -છ દ્રવ્યો તેના ગુણો, પર્યાયો એમ બધા જ્ઞેયોને જાણે છે તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. આત્માને જાણે એ વાત અહીં નથી લીધી, એ તો પહેલાં નિશ્ચય શ્રુતકેવળીમાં આવી ગઈ. અહીં તો એક સમયની જ્ઞાનની પર્યાય જેમાં સર્વશ્રુતજ્ઞાન એટલે બાર અંગ અને ચૌદ પૂર્વનું જે જ્ઞાન-તે જાણવામાં આવે તેને જિનદેવો વ્યવહાર શ્રુતકેવળી કહે છે. એને શ્રુતકેવળી કેમ કહ્યો? કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે. એ જ્ઞાન જ્ઞેયોનું નથી, પણ એ જ્ઞાન આત્માનું છે.