ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો પરમાર્થ શ્રુતકેવળી છે. પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રુત જાણે, બાર અંગ જાણે, છ દ્રવ્ય અને તેમના ગુણપર્યાયોને જાણે એમ સમસ્ત પરને જાણે તેથી વ્યવહાર શ્રુતકેવળી કહે છે. જ્ઞાનની પર્યાયમાં સર્વ જ્ઞેયો જણાય એ જ્ઞાનની પર્યાય જ્ઞેયની નથી, પરંતુ આત્માની જ છે. એ જાણનારી જ્ઞાનપર્યાય તે આત્મા-એમ ભેદ પડયો તે વ્યવહાર છે.
જ્ઞાનની પર્યાયમાં પર જ્ઞેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ જ્ઞેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મય છે. તે જ્ઞાન આત્માને બતાવે છે-તેથી તે ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે.
પ્રથમ “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે. ટીકામાં કહ્યું છે કે પ્રથમ શ્રુતથી એટલે ભાવશ્રુતથી-કે જે ભાવશ્રુત રાગ વિનાનું, નિમિત્ત વિનાનું, મનના પણ સંબંધ વિનાનું છે તેનાથી કેવળ અખંડ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ છે, નિશ્ચય છે, યથાર્થ છે.
અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે”-તે વ્યવહાર છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે એટલે પર પદાર્થનું બધું જ્ઞાન પોતાની પર્યાયમાં જાણે તે શ્રુતકેવળી છે-એ વ્યવહાર છે. ભાવશ્રુતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી એ નિશ્ચય અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી એ વ્યવહાર. આ તો જન્મ-મરણ મટાડવાની, ભવના અંતની વાત છે. જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું એ જ્ઞાનપર્યાય જ્ઞેયની છે કે આત્માની? એ જ્ઞાન જ્ઞેયનું નથી પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એટલે સર્વને જાણનારું એ જ્ઞાન આત્મા જ છે. આ ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પડતો હોવાથી વ્યવહાર છે.
અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ-ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી.
આકાશાદિ પાંચ દ્રવ્યો જડ છે. તેમની સાથે જ્ઞાનની પર્યાયનો તાદાત્મ્ય સંબંધ નથી. એ જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્ય છે. જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે,