અરિહંતની વાણીને જાણે, પણ એ જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રની કે અરિહંતની વાણીની નથી. એ જ્ઞાનની પર્યાય તો આત્માથી તાદાત્મ્ય સંબંધે છે તેથી આત્માની છે. જ્ઞાનની પર્યાય સર્વ પરને જાણે છતાં તે સર્વ પરની છે જ નહીં કેમકે પર સાથે તેને તાદાત્મ્ય સંબંધ નથી. સર્વજ્ઞેયને જાણે છતાં જ્ઞાન જ્ઞેયનું નથી, જ્ઞાન આત્માનું જ છે.
દિગંબર મુનિવરો અંતરમાં નિર્લેપ હતા, તેઓ તો મુખ્યપણે અતીન્દ્રિય આનંદના વેદનમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા અને ઉપદેશ છે. કોઈ કહે આવો ઉપદેશ! દયા પાળો, જીવોને બચાવો, અભયદાન દો, એમ કહો ને! બાપુ દાન કોણ દે, કોને દે? તને ખબર નથી. આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ ષટ્કારક ગુણ છે. એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે. એ સંપ્રદાન ગુણનું કાર્ય શું? નિર્મળ વીતરાગી પર્યાય પોતે પોતાને દે અને પોતે જ લે. આને નિશ્ચયદાન કહેવામાં આવે છે. પૂર્ણાનંદનો નાથ જે અખંડ અભેદ એક આત્મા તેને સ્વસંવેદનજ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે એને નિશ્ચયદાન કહે છે, તે ધર્મ છે. બાકી દયા પાળવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ એ શુભરાગ છે, ધર્મ નથી. અને હું દયા પાળી શકું, દાન દઈ શકું એવી માન્યતા એ મિથ્યાત્વ છે.
અહીં બે વાત કરી છે. એક તો ભાવશ્રુત એટલે સ્વસંવેદનજ્ઞાન વડે જે પ્રત્યક્ષ સીધો આત્માને જાણે તે શ્રુતકેવળી છે તે પરમાર્થ છે, નિશ્ચય છે. બીજી વાત એમ કરી કે જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે તે વ્યવહાર છે.
અરીસામાં સામે કોલસા, નાળિયેર વગેરે જે ચીજ હોય તે બરાબર દેખાય. જે દેખાય છે તે કોલસા વગેરે નથી પણ એ તો અરીસાની અવસ્થા છે. એમ આત્માના જ્ઞાનની અવસ્થામાં પર જ્ઞેયપદાર્થો જણાય, પણ જે જણાય છે તે પર જ્ઞેયો નથી પણ એ તો આત્માના જ્ઞાનની અવસ્થા છે. તેથી જે જ્ઞેયોને જાણતી જ્ઞાનની પર્યાય તે જ્ઞેયોની નથી પણ આત્માની છે. તે પર્યાય એમ જણાવે છે કે ‘આ જ્ઞાન તે આત્મા છે,’ આ જાણે છે તે આત્મા છે. આવો જે ભેદ પડયો તે વ્યવહાર છે અને પરમાર્થનો પ્રતિપાદક છે એટલે કે તે વ્યવહાર નિશ્ચયને બતાવે છે.
નાની ઉંમરમાં વાંચવામાં એમ આવતું કે ‘કેવળી આગળ રહી ગયો કોરો.’ એટલે કે આ આત્મા કેવળી ભગવાન પાસે સમોસરણમાં અનંતવાર ગયો, પણ એવો ને એવો કોરો રહી ગયો. પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે અનંતકાળમાં પણ જાણ્યું નહીં.